ભેસાણની માઁ અમર શૈક્ષણિક સંકુલની જઘન્ય ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભેસાણનાં માં અમર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મુદ્દે અંતે શાળાના પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શાળાના ટ્રસ્ટીઓએ આપેલી ફરિયાદના આધારે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં અનેકવાર સમાધાનના પ્રયાસો થયા હોવાથી ઘટનાને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા હતા પરંતુ સીસીટીવીએ સમગ્ર બનાવની પોલ ખુલ્લી પાડી દીધી છે.
- Advertisement -
ભેસાણની માં અમર રશૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલ અને ગૃહપતિ દ્વારા અડપલા કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠયા હતા. આ અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ અગાઉ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફેરવી તોળ્યું હતું. શાળાના સંચાલકોએ પણ લુલો બચાવ કર્યો હતો પરંતુ સીસીટીવી ફૂટેજે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દેતાં અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જે સીસીટીવી જાહેર થયા છે તેમાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં થતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ સાથે બનાવ બન્યોં તે તથા તેમના વાલીઓ, બાળ સુરક્ષા અધિકારી, શિક્ષણ વિભાગ તમામને સાથે રાખી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી.
આજે ટ્રસ્ટી દ્વારા ભેસાણ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે કે, તેમની શાળાના પ્રિન્સિપાલ કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશીએ બે બાળકો સાથે તેમ તેમના ગુપ્ત અંગોને સ્પર્શ કરી શારિરીક અડપલા કર્યા હતા, બે બાળકો આ ઘટનાના સાક્ષી છે. આ અંગે ભેસાણ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ, ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ બંને આરોપીઓને ગઈકાલથી જ પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત સંકુલના સીસીટીવી કેમેરા જોઈ અન્ય કોઈ બાળકો સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ ? અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ ડીવાયએસપી હિતેષ ધાંધલિયાએ જણાવાયું હતું.