દિવંગત પોલીસ જવાન પ્રદીપસિંહ ઝાલાના પરિવારને ₹8.61 લાખનો ચેક અર્પણ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ) કચેરી ખાતે ગઈકાલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની તેમજ નોંધાયેલા ગુનાઓ ઉકેલવામાં પોલીસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
કોન્ફરન્સ દરમિયાન મોરબી જિલ્લામાં નોંધાતા ગુનાઓ, ખાસ કરીને ટ્રાફિક, શરીર સંબંધી ગુના, છેતરપિંડી અને વ્યાજખોરી સંબંધિત ફરિયાદો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. રેન્જ આઇજીએ જિલ્લામાં પોલીસની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે. જોકે, પત્રકારોએ તાજેતરમાં બનેલી જનતા રેડ અને જમીન કૌભાંડ જેવી ઘટનાઓ અંગે તીક્ષ્ણ સવાલો કર્યા હતા.
આઇજીએ પત્રકારોના સવાલોના જવાબમાં લોકોને જનતા રેડ કરવાને બદલે પોલીસને માહિતી આપવા અપીલ કરી હતી. તેમણે ઔદ્યોગિક નગરી મોરબીમાં ઉદ્યોગકારોના નાણાંની રિકવરી માટે રચાયેલી જઈંઝ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની રિકવરી કરવામાં આવી છે અને તેમની કામગીરી હજી પણ ચાલુ છે.
ક્રાઇમ કોન્ફરન્સ બાદ એક માનવીય પહેલના ભાગરૂપે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ધીરુભાઈ ઝાલા (ઉંમર 42)ના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. મોરબી પોલીસ પરિવારે એકત્રિત કરેલા ₹8,61,311નો ચેક રેન્જ આઇજી અશોકકુમાર યાદવના હસ્તે મૃતક જવાનના પિતા અને પુત્રને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ. ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.