ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની 120 બોટલ સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો મોકલનાર બોટાદના પાળીયાદ ગામના બુટલેગરનું નામ ખુલતા તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે ગુરૂકૃપા હોટલ સામેના સર્વીસ રોડ ઉપર જોગ ગુરૂદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાં બે શખ્સો ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવીને ધંધો કરતા હોવાની બાતમી મળતા એલસીબી ટીમ તે દુકાનમાં ત્રાટકી હતી અને દુકાનમાંથી વિદેશી દારૂની 120 બોટલો (કિં. રૂ. 72,000) સાથે આરોપીઓ સુરેશ ભુપતભાઈ રાઠોડ (ઉ.વ. 35, રહે. મોરબી-2, ભાગ્યલક્ષ્મી સોસાયટી, સરકારી સ્કુલ પાસે) અને અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ. 30, રહે. મોરબી-2, મહારાણા પ્રતાપ સોસાયટી, કોમ્યુનીટી હોલની બાજુમાં)ને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો કાનભા મનુભા પરમાર (રહે. પાળીયાદ, તા. જી. બોટાદ) એ મોકલ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.