ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીને સકંજા લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ડો.યાજ્ઞિક રોડ પરના શેફાયર કોમ્પલેક્ષમાં આવેલી વી.જે.સન્સ નામની દુકાનમાંથી રૂા. 46.93 લાખના પટોળા અને દુપટ્ટાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લઈ સુત્રધાર સહિત પાંચ આરોપીઓને સકંજામાં લઈ ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા, પીઆઈ જે.વી.ધોળા, પીએસઆઈ હુણ, કે.ડી.પટેલ, કામળીયા સહિતની ટીમે સીસીટીવી ફુટેના આધારે તપાસ આગળ ધપાવી બે દિવસમાં જ ભેદ ઉકેલી લીધો હતો.
- Advertisement -
મળતી વિગતો મુજબ લીમડીમાં રહેતો હરીભાઈ ગોહિલ પટોળાનો ધંધો કરે છે. તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેને કારણે તેણે રાજકોટના વિરાણી સ્કુલ પાસે રહેતા અને પટોળાનો ધંધો કરતા મનિષ જીતીયા સાથે મળી ચોરીની યોજના બનાવી હતી. મનિષ ઉપર પણ દેણું હોવાથી તે પણ યોજનામાં સામેલ થઈ ગયો હતો. બંને આરોપીઓ પટોળાનો ધંધો કરતા હોવાથી વી.જે.સન્સના માલિક વિપુલભાઈ વાઢેર અને તેના ધંધાથી પરીચીત હતા. જેથી તેની દુકાનને નિશાન બનાવવાનું નક્કી કરી શીખલીકર ગેંગના ત્રણ સભ્યોની મદદથી યોજનાને અંજામ આપ્યો હતો.