કમિશનરની સિંગલ ઓર્ડરથી જુનાગઢ પીટીસી ખાતે નિમણૂંક: ક્રાઇમ બ્રાંચના તત્કાલીન P.I. વી. કે. ગઢવી, P.S.I એસ. વી. સાખરા અને રાઇટર યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા.
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચના અધિકારીએ છેતરપીંડીનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદ ન નોંધી છેલ્લે ભલામણો બાદ ફરિયાદ દાખલ કરી જે રકમ રિકવર થાય તેમાંથી 15 ટકા કમિશન આપવાનું કહી હવાલો લીધાનો અને 75 લાખનો તોડ કરી લીધાનો ચોંકાવનારો ધડાકો ધારાસભ્યએ પત્ર રૂપે કરી ગૃહમંત્રીને આ પત્ર મોકલતાં ખળભળાટ મચી ગયો હતો. આ પત્રબોમ્બની 26 દિવસ તપાસ થયા બાદ ગઇકાલે ગૃહમંત્રીને રિપોર્ટ સોંપાયો હતો. એ પછીના કલાકોમાં જ સિંગલ ઓર્ડરથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીનો આદેશ થયો હતો. કોઇપણ આઇપીએસ અધિકારીનો સિંગલ ઓર્ડર થયો હોય તેવી આ પહેલી ઘટના છે. તો ક્રઇામ બ્રાંચના તત્કાલીન પીઆઇ, પીએસઆઇ અને રાઇટર હેડકોન્સ્ટેબલને પણ તાકીદની અસરથી સસ્પેન્ડ-ફરજમોકુફ કરી દેવાયા છે અને તમામની મિલ્કતની ચકાસણીના પણ આદેશ થયા છે.
સીપી મનોજ અગ્રવાલને જુનાગઢ પીટીસીના વડા તરીકે મુકી દેવાયા છે. ગૃહ વિભાગના અધિક સચિવની સહી સાથેના બદલીના ઓર્ડરમાં લખાયું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ-આઇપીએસ (ગુજ:1991)ની રાજ્ય અનામત પોલીસ તાલિમ કેન્દ્ર, ચોકી જુનાગઢ ખાતે બદલી કરવામાં આવે છે. રાજકોટ શહેરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો અન્ય હુકમો ન થાય ત્યાં સુધી ખુરશીદ અહેમદ-આઇપીએસ (ગુજ-1997), સ્પેશીયલ પોલીસ કમિશનર (વહિવટ, ટ્રાફિક અને ક્રાઇમ)ને તાત્કાલીક અસરથી સોંપવામાં આવે છે. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વી. કે. ગઢવી, અમદાવાદ ફરજ બજાવતાં અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઇ એસ. વી. સાખરા અને હાલ રાજકોટ ડીસીબીમાં ફરજ બજાવતાં યોગેન્દ્રસિંહ જાડેજાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સીપી સહિતના અધિકારીઓની મિલ્કતની તપાસના આદેશ પણ અપાયાનું કહેવાય છે.


