સુપ્રીમ કલમ 142ને લોકતંત્ર વિરુદ્ધ પરમાણુ મિસાઇલની જેમ વાપરે છે : ઉપરાષ્ટ્રપતિ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલોને મંજૂર કરવા સમય મર્યાદા નિશ્ચિત કરી હતી. આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં. ભારતમાં ક્યારેય એવું લોકતંત્ર નથી રહ્યું, જ્યાં કોર્ટો રાષ્ટ્રપતિને નિર્દેશ આપે. ન્યાયાધીશો ’સુપર સંસદ’ તરીકે કામ કરે. બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને મળેલા વિશેષાધિકાર લોકતાંત્રિક શક્તિઓ વિરુદ્ધ સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ ન્યૂક્લિયર મિસાઈલ બની ગઈ છે.
- Advertisement -
રાજ્યસભા ઈન્ટર્નના ગૂ્રપને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, તાજેતરમાં જ એક ચૂકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ અપાયા છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? બંધારણીય મર્યાદાઓના ભંગ પર ચિંતા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ ત્યાં હાજર લોકોને રાષ્ટ્રપતિના શપથ યાદ અપાવ્યા અને એ બાબત પર ભાર મૂક્યો કે રાષ્ટ્રપતિનું સ્થાન ખૂબ જ ઊંચું છે જ્યારે અન્ય લોકો માત્ર બંધારણનું પાલન કરવાનાં શપથ લે છે. તેમણે સવાલ કર્યો કે આપણે એવી સ્થિતિ બનાવી શકીએ નહીં જ્યાં તમે દેશના રાષ્ટ્રપતિને નિર્દેશ આપો અને કયા આધાર પર? બંધારણીય જોગવાઈઓને ટાંકીને તેમણે કહ્યું કે, આવા કેસોમાં ન્યાયતંત્ર પાસે એકમાત્ર અધિકાર ’કલમ 145(3) હેઠળ બંધારણની વ્યાખ્યા કરવાનો છે. અને તે પણ પાંચ અથવા તેનાથી વધુ ન્યાયાધીશોની બેન્ચ તરફથી આ નિર્ણય થવો જોઈએ. કલમ 142 લોકતાંત્રિક શક્તિઓ વિરુદ્ધ એક પરમાણુ મિસાઈલ બની ગઈ છે, જે ન્યાયતંત્ર માટે 24 બાય 7 ઉપલબ્ધ છે.’
સુપ્રીમ કોર્ટના આદેશ પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એવા દિવસ માટે લોકતંત્રની ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે રાષ્ટ્રપતિને ડેડલાઈન હેઠળ નિર્ણય લેવા માટે કહેવાઈ રહ્યું છે. તેમણે ન્યાયિક અતિક્રમણ પ્રત્યે ચેતવણી આપી અને ન્યાયતંત્રને ટોણો મારતા કહ્યું, આપણે પાસે એવા જજ છે જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે, સુપર સંસદ તરીકે કામ કરશે અને તેમની જવાબદારી કોઈ નહીં હોય, કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ થતો નથી.
હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળવાના કેસમાં હજુ સુધી એફઆઈઆર નહીં થઈ હોવા સામે સવાલ ઉઠાવતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું કે શું ન્યાયાધીશોને બંધારણમાં ઈમ્યુનિટી આપી છે? સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ પૂછપરછ અને તપાસ સામે કોઈ પ્રકારનું અભેદ્ય આવરણ નથી. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરે 14 માર્ચને ધૂળેટીની રાત્રે લાગેલી આગ પછી કથિત રીતે કરોડો રૂપિયાની રોકડ અડધી બળેલી હાલતમાં મળી આવ્યાની ઘટનામાં ઈન-હાઉસ તપાસનો આદેશ આપ્યો છે. જોકે, આ તપાસ સામે સવાલ ઉઠાવતા ધનખડે કહ્યું કે, આ કેસની તપાસ ત્રણ ન્યાયાધીશોની સમિતિ કરી રહી છે, પરંતુ શું આ સમિતિ ભારતના બંધારણ હેઠળ અધીન છે? શું આ ત્રણ ન્યાયાધીશોની સમિતિને કોઈ કાયદા હેઠળ મંજૂરી મળી છે? હકીકતમાં કોઈપણ કેસની તપાસ ન્યાયતંત્ર નહીં કારોબારીનું કાર્યક્ષેત્ર છે. સમિતિ વધુમાં વધુ ભલામણ કરી શકે છે. આ ઘટના અંગે દરેક ભારતીય ખૂબ જ ચિંતિત છે.
- Advertisement -
હાઈકોર્ટના ન્યાયાધીશ વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળવાના કેસમાં FIR કેમ નથી થઈ : ધનખડ
આપણા જજ કાયદો બનાવશે, પણ તેમની કોઇ જ જવાબદારી નહીં : ધનખડનો ટોણો