રૂા. 2,90,000 એક માસમાં ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને ન ચૂકવ્યે વધુ છ માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
ધોરાજી ખાતે ફરેણી રોડ ઉપર નચિકેતા સ્કૂલ પાસે ગોકુલ પાર્કમાં રહેતાં જયેશ બોરડે તેના મિત્ર ફરિયાદી પ્રફુલભાઈ વઘાસીયા પાસેથી અંગત જરૂરિયાત માટે મિત્રતાના નાતે લીધેલી રકમ રૂા. 5,00,000/-માંથી પાર્ટ પેમેન્ટ રૂા. 2,90,000/- પરત અદા કરવા ઈસ્યુ કરી આપેલા ચેક રિટર્ન થતાં તે અન્વયે દાખલ થયેલ કેસ ચાલી જતાં રાજકોટના મહે. એડી. ચીફ. જ્યુડી. મેજિ.એ આરોપીને 1 વર્ષની સજા અને ચેકની રકમ એક માસમાં ફરિયાદીને ચૂકવી આપવી અને ન ચૂકવી આપે તો વધુ છ માસની સજાનો સિમાચિહ્ન રૂપ ચૂકાદો ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર સ્વાતિ પાર્કમાં રહેતાં ફરિયાદી પ્રફુલ રવજીભાઈ વઘાસીયાએ ધોરાજી ખાતે ગોકુલ પાર્કમાં રહેતાં આરોપી જયેશ મનસુખભાઈ બોરડ વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલી કે આરોપી તથા ફરિયાદી મિત્રો હોય આરોપીને નાણાની અંગત જરૂરિયાત ઊભી થતાં મિત્રતા નાતે ફરિયાદી પાસેથી રૂા. 5,00,000 ટૂંક સમય માટે મેળવી તે રકમમાંથી રૂા. 2,90,000 પરત અદા કરવા ઈસ્યુ કરી આપેલો ચેક રિટર્ન થતાં તે અન્વયે પાઠવેલ કાનુની નોટીસ બજવા છતાં નાણા પરત ન કરતાં ફરિયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરેલો હતો.
ઉપરોક્ત કેસ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ થયેલા 7 દસ્તાવેજો તથા મૌખિક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના બાકી રહેલા લેણાં પેટે ચેક ઈસ્યુ કરી આપેલ છે, ચેકની કે તે માંહેના સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરૂદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાનું કોગઝન્ટ એવિડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નિવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરિયાદીના પુરાવાનું ખંડન કરી શક્યા નથી, ફરિયાદ પક્ષે જ્યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલો હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરિયાદીના ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ વિગેરે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી.
- Advertisement -
રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદી પાસેથી રકમ લીધેલની હકીકતને અને તે પરત નહીં કરેલ હકીકતને સમર્થન મળે છે, ફરિયાદ પક્ષે રજૂ દસ્તાવેજો સંંબંધે કોઈ તકરાર લેવામાં આવેલી નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલો હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પૂરવાર થયેલા છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલી હોવાનું પુરવાર થતું નથી. ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલો નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદ પક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલો નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા. 2,90,000 એક માસમાં ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સિમાચિહ્નરૂપ ચૂકાદો ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી પ્રફુલ વઘાસીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.