રૂા. 9,00,000 એક માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
અગાઉ જેને જુદા જુદા અનેક ચેક રિટર્ન કેસોમાં નીચેની અદાલતે તકસીરવાન ઠેરવેલા છે અને સેશન્સ અદાલતે પણ સજાનો હુકમ કાયમ રાખેલો છે અને અમુક કેસોની સજા જેલમાં રહીને પુરી કરેલી છે અને જેની સામે જુદી જુદી અદાલતોમાં કરોડોની રકમ સંબંધે અનેક ચેક રિટર્નના કેસો ચાલી રહેલા છે અને જેને જુદા જુદા લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવેલું છે તે રાજકોટના મવડી વિસ્તારના સરદારનગર સોસાયટી પાસે આવેલા પટેલ બોર્ડિંગ પાસેની પુનમ સોસાયટીમાં રહેતા અને અટીકામાં શિવમ મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ મહેશ શીવાભાઈ ટીલારાને ફરી રૂા. 9,00,000 ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી દોઢ વર્ષની સજા ફરમાવતો રાજકોટના એડિ. ચીફ જ્યુડી. મેજિ. દ્વારા ફરમાવવામાં આવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો લક્ષ્મીવાડીમાં રહેતા ફરિયાદી દર્શનાબેન ભાવીનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલી કે ફરિયાદીના પતિ એકાઉન્ટનું કામ કરતાં હોય અને તેઓ પાસેથી એકાઉન્ટનું માર્ગદર્શન લેવા આરોપી મળતાં હોય બંને વચ્ચે સંબંધો બંધાયેલ અને આરોપીએ પોતે કારખાના ઉપરાંત ફાઈનાન્સનો મોટો ધંધો કરતાં હોવાનું જેમાં શિવમ મશીન ટુલ્સ તેમજ સદ્ગુરુ મશીન ટુલ્સ રાજકોટમાં અને શીંગદાણાની ફેકટરી કુવાડવા ખાતે ધરાવતા હોવાનું અને ફેલાયેલ વિશાળ બિઝનેશમાં તહોમતદારને મોટી રકમની જરૂરિયાત હોવાનું જણાવી ફરિયાદીના ઘરે આવી ફરિયાદી તથા તેની પતિની હાજરીમાં જણાવેલું કે તમો જાતે કે સગાસંબંધી, મિત્ર સર્કલમાંથી વધુમાં વધુ મૂડી એકત્રિત કરી મને મારા ફાઈનાન્સમાં આપો તો મને મળનાર નફામાંથી તમોને યોગ્ય વળતર સાથે મૂડી પરત કરીશ અને દગો ફટકો કરીશ નહીં તેમજ તમો આપેલી મૂડી ડુબશે નહીં કે ખોટી થશે નહીં તેવા તહોમતદારના શબ્દો, વચન ઉપર ભરોસો રાખી ફરિયાદીએ તહોમતદારને બેંક ટુ બેંક રકમ રૂા. 9,00,000 આપેલ જે રકમ પરત અદા કરવા આરોપીએ ફરિયાદી જોગ ઈસ્યુ કરી આપેલા ચેક રિટર્ન થતાં તે અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલી કે આરોપીએ ફરિયાદીના પુરાવાનું સચોટ ખંડન કરેલું હોય નિર્દોષ ઠરાવી છોડી મૂકવા કરેલી રજૂઆત સામે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈસ્યુ કરી આપેલા છે. ચેકની કે તે માંહેના સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરૂદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલો છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરિયાદીના પુરાવાનું ખંડન કરી શકેલા નથી, ફરિયાદ પક્ષે જ્યારે પોતાનો કેસ શંકાથી પર પૂરવાર કરેલો હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરિયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ. હાલના તહોમતદારને આવા પ્રકારના ગુના કરવાની ટેવ હોય આરોપી હેબીચ્યુઅલ હોય અગાઉ અનેક ચેક રિટર્ન કેસોમાં પણ આરોપીને સજા થઈ ચૂકેલ છે વિગેરે મુદ્દાઓ સંબંધે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલી હતી. રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણુ પરત કરવા ચેક ઈસ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે, ફરિયાદ પક્ષે રજૂ કરેલા દસ્તાવેજો સંબંધે ઉઠાવેલા તકરાર પુરવાર કરી શકેલા નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલો હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલી છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલું હોવાનું પુરવાર થતું નથી. ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલા છે તેમજ ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલા નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂા. 9,00,000 એક માસમાં ફરિયાદીને ચૂકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની એ રીતે દોઢ વર્ષની સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચૂકાદો ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામના ફરિયાદી દર્શનાબેન ઉદાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.