30 દિવસમાં ફરિયાદીને વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષ સજા તથા રૂા. 10 લાખનું વળતર ચુકવવા અને જો 30 દિવસમાં ફરિયાદીને વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કોર્ટ ફરમાવેલ છે. કેસની વિગત મુજબ ફરીયાદી પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.રાજકોટ વાળા પાસેથી આરોપી કોસ્મોસ ટ્રાવેલ્સ લીંક ના ઓથોરાઈઝ પરશન પીનાંક કમલેશભાઈ સંઘવી ઠે.ઓફીસ-204, વર્ધમાન ટ્રેડ સેન્ટર, બીજો માળ, અદાણી માર્કેટ પાસે, ફુલછાબ ચોક, રાજકોટ રહે.ગુલમહોર એપાર્ટમેન્ટ, ઈન્દીરા સર્કલ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટનાએ ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ 10 લાખ લીધેલ હતા, તે લેણી રકમ પરત ચુકવવા માટેના બે ચેકો આપેલ હતા. જે ચેકોની કુલ રકમ 10 લાખ વસુલ થવા માટે બેન્ક ખાતામાં રજુ કરતા આ ચેકો રિટર્ન થયેલ હતા. જે અંગેની નોટીસ આરોપીને આપેલ હતી જે તેઓને મળી ગયેલ હતી તેમ છતા પૈસા ન ભરતા ફરીયાદીએ ધી નેગોશિએબલ કોર્ટમાં કલમ-138 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી હાજર થયેલ હતા અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો. ચાલુ કેસ દરમિયાન આરોપી તરફેથી પોતે જુબાની આપેલી હતી. ફરિયાદીના વકીલોની દલીલો અને રજુઆતો બાદ રાજકોટના એડી. ચીફ જયુ.મેજી. જજે આરોપીને બે વર્ષની સજા તથા રૂા. 10 લાખનો દંડ કરવામાં આવેલ જે દંડ વળતર પેટે 30 દિવસમાં ફરીયાદીને ચુકવવા તથા આ રકમ ચુકવવામાં કસુર કરવામાં આવે તો વધુ 6 માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા, યુવરાજસિંહ એમ. જાડેજા તથા રાજેશ એન.મંજુષા, હાર્દીક એમ. પાઠક, હાર્દીક પી. વાગડીયા રોકાયેલ હતા.



