આંખે અંધાપો હોવાનું કારણ ધરી કોર્ટની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કર્યો પણ ભાગીદારી કરારમાં સહી અને અત્યારના વકીલાતનામામાં અંગૂઠો હોય, સ્પે.પીપી સહિતના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
ટીઆરપી અગ્નિકાંડમાં ગેમઝોનના માલિક અશોકસિંહ જાડેજાના પાંચ દિવસના રીમાન્ડ અદાલતે મંજુર કર્યા છે. આંખે અંધાપો હોવાનું કારણ ધરી કોર્ટની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કર્યો પણ ભાગીદારી કરારમાં સહી અને અત્યારના વકીલાતનામા અંગૂઠો હોય, સ્પેપીપી સહિતના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (6) રાહુલ લલિત રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે ગુનો દાખલ થયો હતો.
અશોકસિંહે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી પણ તે પરત ખેંચી લેવાઈ હતી. જે પછી ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ધરપકડ પામેલ આરોપી અશોકસિંહ જાડેજા 7 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે 6 મુદ્દા રીમાન્ડના કારણો આગળ ધરી અદાલતમાં રીમાન્ડની માંગણી કરવામાં આવેલ જેમાં રાજકોટ બાર એસો. ધ્વારા તથા સ્પે. પી.પી. દ્વારા દલીલો કરવામાં આવેલ કે, આરોપી જમીનના માલીક કમ રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર છે,
- Advertisement -
આરોપીએ પોતે આંખે સંપૂર્ણ દેખી ન શકતા હોય અને કાને સાંભળી ન શકતા હોવાનુ કારણ ધરેલ છે, પરંતુ અત્યાર સુધીના તમામ ડોક્યુમેન્ટસમાં તેઓની સહીઓ છે, જયારે અદાલતમાં વકીલાતનામુ અંગુઠો લગાવી રજુ કરી અદાલતની સહાનુભુતી મેળવવા પ્રયાસ કરી રહેલ છે. આરોપીના ભાઈ કીરીટસિંહ જાડેજા પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે વિગતો તેના ભાઈ અશોકસિંહ જાણતા હોવાનું જણાવેલ અને કીરીટસિંહ જેલ હવાલે થઈ જતા અશોકસિંહ હકીકતો તેના ભાઈ કીરીટસિંહ જાણતા હોવાનુ કહી લીગલ બ્રેઈનની સલાહથી ફર્યુ ફર્યુ બોલી તપાસમાં સહકાર આપતા ન હોય, ઉપરાંત આરોપીની જગ્યામાં બાંધકામ કરવામાં આવેલ તે કયારે, કયા ઉપયોગ માટે કરેલ, અને તે બાબતે કોઈ મંજુરી મેળવેલ કે કેમ ? કે કમ્પલીશન મેળવેલ કે કેમ? ઉપરાંત પેઢીમાં કયાં ભાગીદારોની શું જવાબદારી હતી ?
ઉપરાંત આટલો સમય કયાં સંતાયેલ, કોની મદદ લીધેલ, વિગરે અનેક પ્રશ્ર્નોેએ કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, તદઉપરાંત અમુક સાહેદોના નિવેદનમાં ખુલવા પામેલ હકીકતો જેમા ટી.આર.પી. ગેમ ઝોનની જગ્યાનો ઈમપેકટ પ્લાન મંજુર કરવા માટે ચકાસણી ફી ભર્યા બાદ ઈનવર્ડ થયેલ ન હોય અને બનાવ બાદ અગાઉની તારીખમા ઈનવર્ડ કરવામાં આવેલ હોવાનુ તથા અગાઉની તારીખમાં કવેરી લેટર તૈયાર કરી આપવામાં આવેલ હોવાનુ તથા ઈમ્પેકટ ઈનવર્ડ રજીસ્ટરમાં ચેડા કરવામાં આવેલ હોવાનુ અને જાવક રજીસ્ટર નવુ બનાવી તેમા કવેરી લેટરના જાવક નંબર બતાવી જુના રજીસ્ટરનો નાશ કરી ખોટી માહીતી રજુ કરી બનાવટી બનાવેલ રજીસ્ટર કબ્જે રાખેલ હોવાનું ખુલવા પામેલ હોય, તેથી ઈ.પી.કો. કલમ – 465, 466, 471, 474, 120(બી), 201, 114 નો ઉમેરો પણ કરવામા આવેલ હોય જેથી માંગણી મુજબની રીમાન્ડ મંજુર કરવા રજુઆત કરવામા આવેલ હતી.
તમામ પક્ષેની રજુઆતો, ગુનાની ગંભીરતા જે પ્રકારે બનાવ બનવા પામેલ છે. તે બનાવ સબંધે 24 કલાક ની કસ્ટડી દરમિયાનની તપાસમાં આરોપી દ્વારા સહકાર આપવામાં આવેલ ન હોય અસરકારક તપાસ માટે અને સત્યતાના મુળ સુધી પહોચવા અને ખરી હકીકતો રેકર્ડપર લાવવા માટે આરોપીઓની શારીરીક હાજરી અનીવાર્ય હોય અને પોલીસ કસ્ટડી મંજુર કરવામાં આવે તો જ સાચી દિશામાં તપાસ થઈ શકશે વિગેરે બાબતો લક્ષે લઈ જયુડી. મેજી. (ફ.ક.) એ. પી. દવેએ આરોપીને આગામી તા. 18/06/2024 ના બપોરના 12 વાગ્યા સુધીના પાંચ દિવસના રીમાન્ડ પર સોંપતો હુકમ ફરમાવવામા આવેલ હતો. આ કેસમાં સરકાર તરફે સ્પે. પીપી તુષાર ગોકાણી અને મૃતકના વારસદાર પ્રદીપસિંહ ચૌહાણ અને પરીવાર વતી રાજકોટ બાર એસો. વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ દ્વારા દલીલો કરવામા આવેલી હતી.