આ કેસમાં પોલીસ ફરિયાદી બની હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ બનાવની વિગત એવી છે કે પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઈ જીવણભાઈ અજાણા દ્વારા અજાણ્યા માણસો વિરુદ્ધ એવી ફરિયાદ લખાવેલી હતી કે ગત તા. 29-6-24ના રોજ તેઓને કંટ્રોલ રુમ તરફથી વર્ધી મળેલ કે મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર ઝઘડો થયેલો હોય જેથી તેઓ ત્યાં પીસીઆર વાન લઈને ગયેલા અને ત્યાં પહોંચી ઝઘડા બાબતે પૂછપરછ કરતાં આવો કોઈ બનાવ બનેલો ન હોવાનું જાણવા મળેલું જેથી તેઓ ત્યાંથી પરત ફરતા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાનો ફોન આવેલો અને તેઓએ કહ્યું કે ભરતનગર ગામ પાસે એક અજાણ્યા માણસને ગ્રામજનોએ પકડી રાખેલો છે અને ત્યાં તેઓ તથા પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ બંને જઈએ છીએ તમો પણ આવો જેથી અમો ત્યાં પહોંચતા સદરહુ જગ્યાએ લોકો ભેગા થયેલા હોય અને એક અજાણ્યો ઈસમ બેઠેલ હતો જે એકદમ ગભરાઈ ગયેલો હોય અને ધ્રુજતો હતો અને તેને માથાના ભાગે ઇજાઓ થયેલ હોવાનું જોવામાં આવેલું અને તેને સારવાર માટે પૂછતાં તેને મોઢુ હલાવી હા પાડતા તાત્કાલિક પીસીઆરમાં બેસાડી સારવાર અર્થે લઈ ગયેલા ત્યાં રસ્તામાં તેને આંચકી આવતા તુરત સારવાર મળે તે માટે 108ને જાણ કરતા થોડીવારમાં 108 આવી જતાં આ ઇસમની ડોકટરએ પ્રાથમિક સારવાર કરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલ અને આ સારવાર દરમિયાન સદરહુ વ્યક્તિ મરણ ગયેલો હતો જે અંગેની અજાણ્યા લોકો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 મુજબની ફરિયાદ નોંધેલી હતી.
- Advertisement -
જે ફરિયાદના અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા તથા આનંદભાઈ વિઠલભાઈ ભુવાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કામમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી આનંદભાઈ વિઠલભાઈ ભુવાએ નામદાર મોરબી સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલી હતી. જે અરજીના અનુસંધાને નામદાર અદાલતમાં એવી રજૂઆત કરેલી હતી કે આ ગુન્હામાં ગુજરનારને હાલના અરજદારે કોઈ ઈજા પહોંચાડેલી નથી અને હાલના આરોપીનું ફરિયાદમાં નામ આપવામાં આવેલું નથી કે તેઓની કોઈ ઓળખ પરેડ પણ કરવામાં આવેલી નથી જેથી તેઓ બનાવ સ્થળે હાજર હોય તેવું શંકાસ્પદ જણાય છે અને ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ આપી તેઓને સંડોવી દીધેલા છે તેવું જણાય આવે છે. તેઓને મરણ જનારને મારવાનો કોઈ મોટિવ રહેલો નથી કે મરણ જનાર સાથે તેઓને કોઈ દુશ્મનાવટ રહેલી નથી કે મરણ જનારને કોઈ ઈજાઓ પહોંચાડેલી હોય તેવું પણ ચાર્જશીટના પેપર્સ જોતાં જણાય આવતું નથી તેમજ ચાર્જશીટનો પેપર્સ અને સાહેદોના નિવેદનો જતાં મરણ જનાર રોડ પર પડી જતાં ઈજાઓ થયેલાનું પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે તેમજ આ કામમાં ચાર્જશીટ પણ રજૂ થઈ ગયેલી છે અને કેસ ચાલવા પર આવી ગયેલો છે ઉપરોક્ત સંજોગોમાં કાયદાકીય પરિસ્થિતિ, બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ નામદાર મોરબી સેશન્સ અદાલત દ્વારા આનંદભાઈ વિઠલભાઈ ભુવાને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો છે.
આ કામમાં આરોપી વતી મોરબીના એડવોકેટ જીતુભા જાડેજા તથા રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.