ગિરનાર પર થતી ગંદકી મુદ્દે કમિટીનું સ્થળ પર અવલોકન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત નામદાર હાઇકોર્ટમાં ગિરનાર સફાઇ મુદ્દે પીઆઇએલ થયા બાદ હાઇકોર્ટ દ્વારા એક કમીશનની રચના કરવામાં આવેલ જેના ભાગરૂપે ગિરનારની જાત મુલાકાત કમિશનની કમિટી દ્વારા લેવામાં આવી હતી. ગિરનાર પર ગંદકી અંગેની કરેલી પીઆઇએલ બાદ કામગીરીની સમીક્ષા કરવા કોર્ટ કમિશનના દેવાંગીબેન સોલંકી જૂનાગઢ પધાર્યા હતા અને ગિરનાર પર થતી સફાઇ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં કમિટીએ અંબાજી મંદિર, ગુરૂદત્ત શિખર સહિતની જગ્યાની જાત મુલાકાત લઇને તપાસ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા જણાવાયુ હતુ કે, હાલ ગિરનાર પર ધાર્મિક સ્થળોની સફાઇ તેમજ વન વિભાગ દ્વારા પર્વત પર પ્લાસ્ટીક ઉપયોગ ન કરવાના બોર્ડ મુકવામાં આવ્યા છે. તેની સાથે ધાર્મિક સ્થળોની સફાઇ માટે એજન્સીઓને કોન્ટ્રાક અપાયો છે અને પ્રવાસીઓ દ્વારા જાહેરમાં પ્લાસ્ટીક બોટલ તેમજ કચરો ન ફેકાય તેના માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ તકે કમિટીના દેવાંગીબેન સોલંકી સાથે કલેકટર અનિલકુમાર રાણાવસીયા તથા એસડીએમ ભૂમિબેન કેસવાલા સાથે મનપા અધિકારીઓ ઉપસ્થિત રહીને ગિરનારની સફાઇ મુદ્દે સમીક્ષા કરી હતી.