ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોલીસ હેડ કવાર્ટરમાં થયેલાં ઉચાપતના ગુન્હામાં બે પોલીસ કોન્સ્ટેબલને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી સહિતના એડવોકેટ તરીકે રોકાયેલા હતા. વધુ વિગત એવી હતી કે રાજકોટના પોલીસ હેડ કવાર્ટરમાં રહેતાં નરવીરસિંહ ગુલાબસિંહ ઝાલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી હતી કે તા. 18-12-08ના રોજ તેઓ પોલીસ હેડ કવાર્ટરમાં આવેલ ગેસ એજન્સીમાં ગેસ કનેકશન લેવા માટે પૂછપરછ કરવા માટે ગયા ત્યારે બહાર એક વ્યક્તિ ઉભી હતી અને ગેસ એજન્સીમાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વસંતભાઈ મહેતા કાઉન્ટર ઉપર બેઠા હતા અને બહાર ઉભેલા વ્યક્તિએ વિપુલભાઈને બાટલો લેવો છે તેમ કહી અને વિપુલભાઈએ બાજુમાં બેઠેલા નિલેષભાઈ પોલીસવાળા કે જે ગેસ એજન્સીનું સંચાલન કરે છે તે વ્યક્તિને ગેસનો બાટલો લેવાની વાત કરી હતી જેથી નિલેષભાઈએ રૂા. 500 લઈ ગેસનો બાટલો આપવાનું જણાવ્યું અને નક્કી થયા મુજબ નિલેષભાઈએ રૂા. 500 લઈ આવેલ વ્યક્તિને ગેસનો બાટલો આપ્યો અને આ ગેસનો બાટલો આપવા અંગે કોઈપણ જાતની પાસબુક કે આધાર પુરાવા માંગ્યા નહીં અને કાંઈ પૂછપરછ કર્યા વગર ગેસનો બાટલો આપી દીધો હતો અને આ રૂા. 500નો કોઈ હિસાબ એજન્સીમાં લીધો નથી જેથી ગેસ એજન્સીમાં ઉચાપત કર્યા બાબતની ફરિયાદ નોંધાવેલી હતી.
જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા આઈપીસી કલમ 409, 114 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3 તથા 7 મુજબની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પુરાવાઓના આધારે આરોપીઓને આઈપીસી કલમ 409, 114ના ગુન્હા અન્વયે પાંચ વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા. 5000નો દંડ કરવામાં આવ્યો હતો તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયે એક વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5000નો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત દલીલો તથા કેસના સંજોગો કાયદાકીય પ્રક્રિયાઓ ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા અરજદાર / આરોપીઓ સુંદરભાઈ કુંજુભાઈ પટેલ, વિપુલભાઈ વસંતભાઈ મહેતા, નિલેશભાઈ વિનયચંદ્ર પંડ્યા દ્વારા કરવામાં આવેલ છ વર્ષની સજા સામેની અપીલ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી હતી અને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ હતો.