શંકા ગમે તેટલી મજબૂત હોય પરંતુ તે પુરાવાનું કે સાબિતીનું ક્યારેય સ્થાન લઈ શકે નહીં : સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સને 2016ના જે તે સમયના અરસામાં ચર્ચાસ્પદ રહેલ કિસ્સો જેમાં માધાપર પાસેના મનહરપુર ગામે રૂમ ભાડે રાખી મેડિકલ ડીગ્રી કે સર્ટિફીકેટ વગર ડોકટર તરીકેનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઈન્જેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો વસાવી ગુનો આચરનાર હીરેન હસમુખભાઈ મદાણી વિરુદ્ધનો કેસ ચાલી જતાં રાજકોટના મહે. એડી. ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને છોડી મૂકતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો તા. 2-5-2016ના નાયબ પોલીસ કમિશનર ઝોન-2નાઓએ એસ.ઓ.જી. પી.એસ.આઈ.ને બોલાવી સૂચન કરેલું કે માધાપર પાસે મનહરપુર ગામે શ્રદ્ધા ક્લિનિકના નામે ડોકટર ડીગ્રી વિના પ્રેક્ટિસ કરે છે, જે અંગે ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા થયેલી સૂચના અન્વયે પોલીસે બે ડોકટર તથા પોલીસ સ્ટાફ અને પંચોએ સાથે મળી મનહરપુર ગામે શ્રદ્ધા ક્લિનિકવાળી જગ્યાએ રેડ કરી હાજર વ્યક્તિને તેઓ પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે ડીગ્રી સર્ટિફીકેટ કે હોમિયોપેથિક કે આયુર્વેદીક કે કોઈ પણ જાતનું સર્ટિફીકેટ હોય તો રજૂ કરવા જણાવતા રજૂ ન કરી શકતા ત્યાંથી એલોપેથિક દવાઓ તથા ઈન્જેકશનો સહિતનો મુદ્દામાલ પંચનામાની રૂએ કબજે કરી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી રહેલા હીરેન હસમુખભાઈ મદાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. કે. કે. ઝાલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદ અન્વયે તપાસ પૂર્ણ કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી હતી.
સદર કેસ ચાલવા ઉપર આવતા સરકાર તરફેથી મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ઉપર આધાર રાખી પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલું હોય આરોપીને સજા કરવા કરેલ રજૂઆત સામે આરોપીના એડવોકેટ સુરેશ ફળદુએ એવી રજૂઆત કરેલી કે આરોપી સામેનું તહોમત ફરિયાદપક્ષ પૂરવાર કરી શકેલા નથી, ફરિયાદ પક્ષના સાહેદોના પુરાવામાં મહત્તમ વિરોધાભાસ છે, આરોપીએ ખોટા નામે ઠગાઈ કરેલ હોય કે ઠગાઈ કરવા બદદાનતથી મિલકત આપી દેવા લલચાવેલી હોય કે બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમાય તેવું કૃત્ય આ આરોપીએ કરેલ હોય તેવો કોઈ પુરાવો ફરિયાદ પક્ષ રેકર્ડ પર લાવી શકેલ તેમજ કબ્જે થયેલો મુદ્દામાલ આ આરોપીના હોવાનું તેમજ આ આરોપીએ જગ્યા ભાડે રાખેલી હોવાનું અને શ્રદ્ધા ક્લિનિકના માલીક હોવાનું ફરિયાદ પક્ષ પૂરવાર કરી શકેલ નથી, કોઈ સ્વતંત્ર સાહેદનું સમર્થન નથી, કહેવાતો સંપૂર્ણ બનાવ શંકાના દાયરામાં હોવાનું અને કામગીરી દેખાડવા ઉભો કરવામાં આવેલ હોવાનું રેકર્ડ પરના પુરાવા પરથી ફલિત થતું હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવેલી હતી.
- Advertisement -
બંને પક્ષોની રજૂઆતો રેકર્ડ પરનો પુરાવો લક્ષે લેતાં બંને ડોકટરોની જુબાનીમાં વિરોધાભાસ છે, જે બચાવપક્ષની દલીલોને સમર્થન સાંપડે છે, બનાવવાળી જગ્યા ઉપર હાલના આરોપી ક્લિનિક ચલાવતા હતા તેવો પુરાવો રેકર્ડ પર આવેલા નથી, મકાનમાલીકો અને તેઓ મારફત રજૂ કરાવેલા દસ્તાવેજી પુરાવાના આધારે પણ આરોપી બનાવવાળી જગ્યાએ શ્રદ્ધા ક્લિનિક ચલાવતા હોવાનો વિશ્ર્વાસપાત્ર પુરાવો ફરિયાદપક્ષ રેકર્ડ પર લાવી શકેલા નથી, પોલીસ સાહેદો અને એક ડોકટરની જુબાની તથા અન્ય ડોકટર, સાહેદોની જુબાની ફરિયાદ પક્ષના કેસથી વિરોધાભાસી હોય જે ફરિયાદ પક્ષના કેસમાં શંકા ઉત્પન્ન કરે છે, આરોપીએ કોઈ સ્વાંગ રચી કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ કરી હોય તેવું કૃત્ય અપ્રમાણીકતાથી કરેલ હોય અને તેના કારણે માનવ જિંદગી કે અન્યની શારીરિક સલામતી ભયમાં મૂકાયેલ હોય તેવો પુરાવો રેકર્ડ પર આવી શકેલ નથી, આરોપીએ કોઈ દર્દીને તપાસી, દવા આપી, દવા લખી આપી હોય તેવા કોઈ સ્વતંત્ર સાહેદ રેકર્ડ પર આવેલા નથી, રેડ સમયે હાજર અને દવા લીધેલી કોઈ સ્વતંત્ર સાહેદના નિવેદન રેકર્ડ પર નથી, જે તમામ પુરાવો શંકા ઉત્પન્ન કરે છે અને શંકા ઉત્પન્ન થાય ત્યારે તેનો લાભ હંમેશા આરોપીના લાભમાં રહે, આરોપી સામેનું તહોમત પુરાવા અધિનિયમની જોગવાઈ મુજબ ફરિયાદ પક્ષ સાબિત કરી શકેલા ન હોય તેમ માની આરોપીને છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં આરોપી હીરેન મદાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.