તા.4ના રોજ થનારા કાઉન્ટિંગ માટે ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમવાર વધુ ત્રણ ઓબ્ઝર્વર ફાળવાયા
મતગણતરી માટે 1000નો સ્ટાફ નિયુકત કરવા દરેક વિધાનસભામાંથી લિસ્ટ મંગાવાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આગામી તા.4 જુનના રોજ કણકોટ ખાતેની સરકારી ઈજનેરી કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ અંગે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ વખતે સૌ પ્રથમવાર ચાર ઓબ્ઝર્વરની હાજરીમાં મતગણતરી કરવામાં આવનાર છે. રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી માટે ચૂંટણીપંચ દ્વારા વધુ ત્રણ જનરલ ઓબ્ઝર્વર ફાળવી દેવામાં આવેલ છે. જેઓ આગામી તા.2ના રોજ રાજકોટ ખાતે આવી પહોંચનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભાની બેઠક ઉપર જનરલ ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના સીનીયર આઈએસ અને સચિવ કક્ષાના અધિકારી ડો. પૃથ્વીરાજે કમાન સંભાળી છે. જેઓની સાથે અન્ય ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી કરવામાં આવનાર છે. કણકોટની સરકારી ઈજનેરી કોલેજમાં બે બિલ્ડીંગના ચાર ફલોર ઉપર મતગણતરી માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં દરેક ફલોર પર જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મત ગણતરી કરવામાં આવશે.
- Advertisement -
વિધાનસભા વિસ્તાર મુજબ 14-14 ટેબલ પર આ મત ગણતરી કરવામાં આવનાર હોય રાજકીય પક્ષોના એજન્ટોની નિયુકિત માટેની પ્રક્રિયા ચૂંટણી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. દરેક વિધાનસભામાં 14-14 એજન્ટ મળી કુલ 98 એજન્ટો નિયુકત કરવામાં આવેલ છે. રાજકીય પક્ષોના આ એજન્ટોની નિયુકતી માટેની ફોર્મ સ્વીકારવા સહિતની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. તેની સાથોસાથ મત ગણતરી માટે 1000 જેટલા કર્મચારીઓ ફરજ પર લેવામાં આવનાર હોય આ માટે દરેક વિધાનસભા વિસ્તારોમાંથી કર્મચારીઓના સ્ટાફનું લીસ્ટ મગાવવામાં આવેલ છે.
મત ગણતરી માટે ફરજમાં લેવામાં આવનાર સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન આગામી સપ્તાહે કરવામાં આવનાર છે. મત ગણતરી માટેની તૈયારીઓ માઈક્રોપ્લાનીંગ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. જેમાં મત ગણતરી કેન્દ્ર પર સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવશે. તા.4ના 12 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ કરી પરિણામ જાહેર થાય તે રીતની તૈયારીઓનો તખ્તો ઘડી કાઢવામાં આવેલ છે.