સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનો ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ
વિદ્યાર્થીઓ, વાલીઓનો ફોબિયા દૂર કરવા માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ શાળામાં જશે
- Advertisement -
અભ્યાસ છોડી દેવાનું મન થવું, જીવન ટૂંકાવી નાખવાના વિચારો, અસફળતાનો ભય, પેપર પૂરું થશે નહીં સહિતના ડર દૂર કરવાનો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્રોફેસરો વિદ્યાર્થીઓની સ્કૂલે અથવા ઘરે જઈને પરીક્ષાનો ભય દૂર કરવા કાઉન્સેલિંગ કરશે. વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે ચિંતા, મનોભાર, ડિપ્રેસન જેવી અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને આ બધી સમસ્યાઓ પરીક્ષા સબંધિત છે. પરીક્ષા સમયે વાંચેલું યાદ ન રહેવું, કાઈ આવડતું નથી એવો ભાવ, વાંચનમા મન ન લાગવું, ફેમીલી પ્રેસર, અભ્યાસ છોડી દેવાનું મન થવું, જીવન ટુકાવી નાખવાના વિચારો, પોતાની સમસ્યાઓની અન્યો પાસે અભિવ્યક્ત કરવામાં ખામી, અસફળતાનો ભય, પેપર પૂરું થશે નહીં જેવી અનેક સમસ્યાઓ તે અનુભવતો હોય છે.
જેના લીધે તેનામાં વિચારવાયુ, નકારાત્મકતા, ભય, સ્વાભાવમાં ચિડીયાપણું, આત્મવિશ્વાસનો અભાવ, એકાગ્રતાનો અભાવ, આવેગ નિયંત્રણમા ખામી, લઘુતાગ્રંથી જેવી અનેક આવેગિક સમસ્યાઓ જોવા મળે છે. તેના કારણે તેને શારીરિક સમસ્યાઓ જેવી કે હૃદયના ધબકારા વધવા કે એટેક આવવો, અતિશય છાતીમાં દુખાવો, હાથ-પગ ધ્રુજવા, માથું દુખવું, શરીરમાં પરસેવો વળવો, પાચનક્રિયામાં તકલીફ, સમગ્ર શરીરમાં અશક્તિ લાગવી વગેરે થાય છે જે આગળ જતા મનોવૈજ્ઞાનિક વિકૃતિ જેવી કે સ્લીપ ડિસોર્ડર, ઇટીંગ ડિસોર્ડર, એન્ઝાઈટી, સ્ટ્રેસ, ડિપ્રેસન, આત્મહત્યા વૃતિ જેવી સમસ્યાઓને જન્મ આપે છે.
- Advertisement -
મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીની સમસ્યાને દૂર કરાશે
મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ સમજવા અને તેમાંથી કઈ રીતે બહાર આવી શકાય તે માટે એક મુહિમ ઉપાડી રહ્યું છે. આ મુહીમમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં યાદશક્તિને વધારવા, સેલ્ફ કોન્ફીડન્સ વધારવા, પરીક્ષા દબાણને ઓછું કરવા માતા-પિતાને અવેર કરવા, માતા-પિતા તરફથી મળતા પ્રેસરને ઓછુ કરવા જેવા અનેક વિષયો પર પોતાના વ્યાખ્યાનો આપી વિદ્યાર્થીની સમસ્યાઓને દુર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી કોઈપણ શાળા તેના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ભય કે તણાવ દુર કરવા કોઈ લેકચર કે સેશન રાખવા ઇચ્છતા હોય તો મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરે.