આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર નિર્માણ થયાના માત્ર બે જ માસમાં અનેક જગ્યાએ તિરાડો!
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
ગુજરાત સરકારના બજેટ અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જેતપુર તાલુકાના ત્રણ ગામ વિરપુર, ઉમરાળી અને મોટા ગુંદાળા એમ ત્રણ ગામમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતી સેવા માટે નવાણું લાખ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે આ ત્રણેય ગામમા આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યા છે,જેમાં એક ગામમાં એક કેન્દ્ર દીઠ અંદાજીત તેત્રીસ લાખ રૂપિયા જેટલી રકમનું એક આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રના નવા બિલ્ડીંગ બાંધકામમાં ખર્ચ થયો છે,જેમાં સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં તેત્રીસ લાખ રૂપિયાની માતબર રકમનું આયુષ્માન આરોગ્ય મંદિર પેટા કેન્દ્રના નવા બિલ્ડીંગનું બાંધકામ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે,આ નવા નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રના બિલ્ડીંગના બાંધકામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામ ખુબજ નબળું થયુ હોવાના આક્ષેપો સાથે જાગૃત લોકો દ્વારા કેન્દ્ર સરકાર અને સી.એમ.ઓમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે ,અહીં જે બિલ્ડીંગ બાંધકામ થયુ છે ત્યાં બાંધકામમાં માલ અને મટિરિયલ વાપરવામાં આવ્યું છે તે નબળી ગુણવત્તાનું વાપરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ ઉઠી છે, જેમને કારણે ચણતર તેમજ પ્લાસ્ટર નબળું થયું છે તો સાથે સાથે સિમેન્ટ અને લોખંડ પણ યોગ્ય માત્રામાં વાપરવામા ન આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે,જેમને લઈને આરસીસી કામ પણ નબળું થયુ હોવાનું સામે આવ્યું છે. જેમને લઈને આરોગ્ય વિભાગનું આરોગ્ય કેન્દ્ર જ ખુદ માંદગીના ખાટલે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિરપુરના આ નવા બેનલ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રમાં એક બાજુ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનુ સામે આવ્યું છે તો બીજી બાજુ આ બિલ્ડીંગની ફરતે બાજુ કોઈ પ્રકારની દીવાલ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું નથી જેમને લઈને બિલ્ડીંગની અગાસી ઉપર કે બિલ્ડીંગના પાછળના ભાગમાં આવારા તત્વો દ્વારા અવારનવાર દારૂની મહેફીલો પણ જામતી હોવાની ચર્ચાઓ લોકમુખે ઉઠવા પામી છે, ત્યારે સરકાર દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા આ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રના બાંધકામમાં દરમિયાન થયેલા ભ્રષ્ટાચારીઓ સામે તપાસ કરી નકર પગલાં લેવાની જાગૃત લોકોમાં માંગ ઉઠી છે.