રીફંડ પરત કરવા જીએસટી અધિકારીએ 15000 માંગ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરત
એસીબી લાંચિયા લોકો સામે સતત કામગીરી કરી રહી છે. આજે વધુ બે લાંચીયા લોકોને સાણસામાં લીધા હતા. સુરતમાંથી રાજ્યવેરા અધિકારી અને ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયત કચેરીનો વી.સી.ઈ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.
- Advertisement -
સુરતમાં રહેતા એક વેપારી તેમના ધંધાનો નિયમિત ટેક્સ ભરે છે અને આ બાબતે તેમણે રીફંડ નીકળતું હતું. જેમાં રીફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે નિલેશભાઇ બચુભાઇ પટેલ (રાજ્યવેરા અધિકારી વર્ગ-2) રૂ.15,000 ની માંગણી કરી હતી.. જે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે સુરતમાં રાજ્યકર ભવન, ચોથો માળ, ઘટક-61, રાજ્યવેરા અધિકારીની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. 15,000 સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.
ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયતનો વી.સી.ઈ વિશાલ રોહિતજી ઠાકોર પણ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો હતો. ગ્રામ પંચાયત કચેરીના ટઈઊ દ્વારા ગ્રામ પંચાયત તથા સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી અર્થે આવતા ગ્રામજનો પાસે યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન પરેશાન કરી રૂ. 100 થી 500 સુધીની લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જે આધારે વોચ રાખી છટકાનું આયોજન કર્યું હતું.