નેહલ શુકલ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા: મનપાની ટર્મને સવા મહિનો બાકી હોવાથી કમિશનર કડક નિર્ણય લેવાય તેવી શક્યતા ઓછી
બે બોર્ડમાં મારો રજા રિપોર્ટ મંજુર કરાયો હતો. તેમજ કમિટીની મારી હાજરી હોવાથી સભ્યપદ રદ થવાનો પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી: નેહલ શુક્લ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લની બોર્ડ બેઠકોમાં હાજરીને લઈને ઉઠેલા સવાલો પર આજે તેમણે મૌન તોડ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તમામ બેઠકોમાં નિયમ અનુસાર હાજર રહ્યા છે અને આ અંગે કોઈ વિવાદને સ્થાન નથી.
ઈન્ચાર્જ સેક્રેટરીના પત્ર અંગેના સવાલ પર શુક્લએ કહ્યું કે, “મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ઈન્ચાર્જ સેક્રેટરીએ કમિશનરને માર્ગદર્શન માટે પત્ર લખ્યો છે. કદાચ સેક્રેટરીને તેમની ફરજના ભાગરૂપે આવું લાગ્યું હોય અથવા કોઈએ તેમને જાણ કરવા કહ્યું હોય, તેથી તેમણે આ પત્ર લખ્યો હોઈ શકે છે મારી મુખ્ય જવાબદારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેની છે. સ્ટેન્ડિંગ કમિટીની જ્યારે પણ મીટિંગ હોય ત્યારે નિયમ અનુસાર હું હાજર રહ્યો છું. એક્ટમાં ’કોર્પોરેશન મીટિંગ’ શબ્દનો પ્રયોગ થયો છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી અને તેની પેટા સમિતિઓની બેઠકોનો પણ સમાવેશ થાય છે. મારી હાજરી રેકોર્ડ પર છે જે સાબિત કરે છે કે મેં નિયમોનું પાલન કર્યું છે.”
જ્યારે મહાપાલિકાની બોડીની ટર્મ પૂરી થવાને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કમિશનર કક્ષાએથી કોઈ કડક નિર્ણય લેવાય તેવી શક્યતા ઓછી છે. કમિશનરે આ બાબતે કાનૂની માર્ગદર્શન લેવા માટે ફાઈલ આગળ વધારી છે. જો આગામી સપ્તાહે યોજાનારી મહત્ત્વની ’બજેટ સભા’ પૂર્વે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નહીં આવે, તો નેહલ શુક્લ રાબેતા મુજબ ગૃહમાં બેસી શકશે. પરંતુ જો તેમને ગેરલાયક ઠેરવવામાં આવે, તો આગામી ચૂંટણી પૂર્વે ભાજપ માટે આ એક મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે. ત્યારે હાલ સમગ્ર શહેરની નજર કમિશનરના અભિપ્રાય અને આગામી બજેટ બોર્ડ પર ટકેલી છે.
મનપાના સેક્રેટરી વિભાગે પ્રક્રિયા હાથ ધરી
- Advertisement -
નેહલ શુક્લએ સળંગ ત્રણ સભાઓમાં હાજરી ન પુરાતા સેક્રેટરી વિભાગે નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરી છે. ભૂતકાળમાં વર્ષ 2018માં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પણ આજ કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. એ કેસ તો છેક શહેરી વિકાસ વિભાગ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેને ટાંકીને અત્યારે તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે રજા રિપોર્ટ મુકેલો હતો તેથી ટેકનિકલી બરતરફ થતા નથી: જયમીન ઠાકર
મીડિયા સાથેની વાતચીતમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, “નેહલ શુક્લ ખૂબ જ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે. મારા જાણકારી મુજબ તેમણે ત્રણમાંથી એક બોર્ડમાં રજા રિપોર્ટ મૂકેલો છે, તેથી ટેકનિકલી તેઓ બરતરફ થતા નથી. પક્ષ અને તમામ 65 કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ મામલે ટૂંક સમયમાં લીગલ અભિપ્રાય પણ લેવામાં આવશે.



