મહાનગરપાલિકા સામે હત્યાનો ગુનો શા માટે ન નોંધાવો જોઈએ? શા માટે પરિવારને તગડું વળતર ન મળવું જોઈએ?
ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ખાબકતાં અખબારી એજન્ટ વનરાજસિંહનું સારવારમાં મૃત્યુ
- Advertisement -
RMCનાં કમિશનર આવી ઘટનાઓ માટે કાનૂની દ્રષ્ટિએ જવાબદાર: એમની સામે ગુનો કોણ નોંધશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વધુ એક વખત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ ગઈ છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગટર ઉપરથી ટુ-વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઈક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
- Advertisement -
જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.આ પાછળ મનપા તંત્રની જ ઘોર બેદરકારી છે: મૃતકના ભાઈ
મૃતક વનરાજસિંહના નાના ભાઈ ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત 3 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે નોકરી પરથી મારા મોટા ભાઈ પરત ઘરે આવી રહ્યા હતા. સવારના 5.30થી 6 વાગ્યા વચ્ચે તેમના ઘર નજીક ગટરના તૂટેલા ઢાંકણા કારણે તેમનું વાહન સ્લીપ થયું હતું. તેઓ ચારથી પાંચ ફૂટ ફેંકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન સારવાર બાદ ઘરે લઇ આવ્યા હતા અને ગઈકાલે તેઓનું મોત નીપજ્યું છે. આ પાછળ મનપા તંત્રની જ ઘોર બેદરકારી છે.