– ઉડ્ડયન વિભાગને આરોગ્ય મંત્રાલયની સૂચના
દુનિયાના અનેક દેશોમાં કોરોના વધતા કહેર વચ્ચે ભારત સરકારે પણ સાવચેતીના પગલા લીધા છે અને છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે આરટીપીસીઆઈનો નેગેટીવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો છે. સિંગાપુર અને થાઈલેન્ડ થઇને આવતા લોકોને પણ આ નિયમ લાગુ પડશે તેમ આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે.
- Advertisement -
આરોગ્ય મંત્રાલયના અગ્રસચિવ લવ અગ્રવાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર તથા થાઈલેન્ડ જેવા છ દેશોમાંથી આવતા લોકો માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત જ છે.
એટલું જ નહીં અન્ય દેશના નાગરિક હોય છતાં સિંગાપુર-થાઈલેન્ડ થઇને ભારતમાં પ્રવેશે તો પણ તેને નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રજૂ કરવો પડશે.આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે ટકા પ્રવાસીઓના રેન્ડમ ટેસ્ટીંગનો અમલ પણ ચાલુ રાખવાનું જણાવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1લી જાન્યુઆરીથી જ ચીન, હોંગકોંગ, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા તથા સિંગાપુરથી આવતા પ્રવાસીઓ માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો હતો. આ પ્રવાસીઓએ એર સુવિધા પોર્ટલ પર જ રિપોર્ટ અપલોડ કરવાના રહે છે. ભારતમાં પ્રવેશના 72 કલાક પૂર્વેનો આ રિપોર્ટ રાખવાનો થાય છે. હવે આ દેશોના નાગરિક ન હોય છતા ત્યાંથી આવતા હોય તેવા લોકોને પણ આ નિયમ લાગુ પડશે.