પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફૂવારા ગોઠવાયા: નાના કદના પ્રાણીઓ શિયાળ, ઝરખ, લોમડીના પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ગાઈડલાઈન્સ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવેલ છે. જેથી હાલમાં રાજકોટ ઝુ સૌરાષ્ટ્રભરના પર્યાવરણપ્રેમીઓ તથા પ્રવાસીઓને હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજાઓ તથા તહેવારોના દિવસો દરમિયાન ઝુ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દર વર્ષે અંદાજીત 7.25 લાખ મુલાકાતીઓ ઝુની મુલાકાતે આવે છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 68 પ્રજાતિઓનાં કુલ 545 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.
- Advertisement -
આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતિ અનુસાર નીચેની વિગતે ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ(તળાવ) બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. તેમજ પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર(ફુવારા) સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે.
જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે.
- Advertisement -
પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફૂવારા ગોઠવાયા
વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફૂવારા સિસ્ટમ ગોઠવવામાં આવેલા છે.
તેમ ઝુ સુપ્રિ. ડો.આર.કે.હિરપરાએ કહ્યું હતું.