ભૂખ્યાને ભોજન સેવાનું કાર્ય અવિરત રાખવા સંસ્થાએ અપનાવ્યો પરંપરાગત માર્ગ
રાજકોટમાં કોઈ ભૂખ્યું ન સૂવે તેવા સંકલ્પ સાથે કાર્યરત ટ્રસ્ટ દ્વારા ગેસની અછત વચ્ચે લાકડાના ચૂલા પર બુંદી-ગાંઠિયા અને શાક-ભાતની રસોઈ બનાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્તમાન સમયમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે છેડવામાં આવેલા યુદ્ધે સમગ્ર વિશ્વ માટે અત્યંત ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની અસર માત્ર ભૌગોલિક સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની સીધી અસર સામાન્ય માનવીના જીવન અને પાયાની જરૂરિયાતો પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને ઈંધણ અને ઊર્જાના સ્ત્રોતો પર પડેલી વિપરીત અસરને કારણે સ્થાનિક સ્તરે ગેસના બાટલાની ભારે અછત સર્જાઈ રહી છે. રાજકોટમાં આ અછતની સૌથી વધુ અસર સેવાકીય સંસ્થાઓના રસોડામાં જોવા મળી છે.
રાજકોટનું જાણીતું અને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરતું ’બોલબાલા ટ્રસ્ટ’ અત્યારે આ વૈશ્વિક અછતનો સામનો કરી રહ્યું છે. સંસ્થામાં રોજના હજારો લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે, પરંતુ ગેસના બાટલા સમયસર ઉપલબ્ધ ન થતા સેવાનું કાર્ય અટકી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જોકે, સંસ્થાએ હાર માનવાને બદલે એક વૈકલ્પિક અને પરંપરાગત રસ્તો પસંદ કર્યો છે. ગેસના આધુનિક સ્ટવને બદલે હવે બોલબાલા ટ્રસ્ટના રસોડામાં લાકડાના ’ચૂલા’ સળગાવવામાં આવ્યા છે.
અત્યારે આ રસોડામાં શુદ્ધ દેશી અંદાજમાં લાકડાના ચૂલા પર ગુંદી, ગાંઠિયા, શાક અને ભાતની રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. ભલે વૈશ્વિક સ્તરે યુદ્ધ ચાલી રહ્યું હોય અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા હોય કે અછત સર્જાઈ હોય, પણ રાજકોટની આ સંસ્થાએ સાબિત કરી દીધું છે કે સંકલ્પ શક્તિ હોય તો સેવાનો માર્ગ ક્યારેય રોકાતો નથી. ચૂલાના ધુમાડા વચ્ચે પણ રસોઈયાઓ અને સ્વયંસેવકો ઉત્સાહભેર ગરીબો માટે ભોજન તૈયાર કરી રહ્યા છે.
આમ, એક તરફ વિશ્વ યુદ્ધના ઉંબરે ઉભું છે અને વિનાશની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં માનવતાની સુવાસ ફેલાવતી આ સંસ્થાએ પરંપરાગત સંસાધનોનો ઉપયોગ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઘટના એ પણ સૂચવે છે કે યુદ્ધ માત્ર વિસ્ફોટો નથી લાવતું, પણ સામાન્ય નાગરિકની થાળી સુધી પહોંચનારા ભોજન માટે પણ મોટો પડકાર ઉભો કરે છે.
બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગેસ એજન્સીઓ દ્વારા બાટલા આપવા માટે ’તારીખ પર તારીખ’ આપવામાં આવી રહી છે. જ્યાં દરરોજ 10 બાટલાની જરૂરિયાત હોય છે ત્યાં માત્ર 2 જ બાટલા મળી રહ્યા છે. આ અછતના કારણે રોટલી બનાવવા અને અન્ય રસોઈ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. રસોઈ સમયસર પૂરી કરવા માટે સંસ્થાએ હવે વધારાના ખર્ચ સાથે લાકડા મંગાવી ચૂલા સળગાવ્યા છે.
સેવાકીય સંસ્થાઓ માટે ગેસના બાટલાનો એક અલગ ક્વૉટા ફાળવવામાં આવે તેવી માંગ
- Advertisement -
કોવિડ કાળમાં લાખો લોકોને ભોજન પૂરું પાડનાર આ સંસ્થાએ વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગને અપીલ કરી છે કે, સેવાકીય સંસ્થાઓ માટે ગેસના બાટલાનો એક અલગ કોટા ફાળવવામાં આવે જેથી જરૂરિયાતમંદોને અપાતા નિ:શુલ્ક ભોજનમાં કોઈ રુકાવટ ન આવે. જો આગામી દિવસોમાં ગેસની અછત વધુ ઘેરી બનશે, તો ટ્રસ્ટ દ્વારા ’રોટી બેંક’ મારફતે ઘરે-ઘરેથી રોટલીઓ એકઠી કરીને પણ રાજકોટના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભૂખ્યા નહીં સોવા દેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.



