વિધાનસભા ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની જુદી-જુદી તાલીમ યોજાઇ રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.
- Advertisement -
આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવાઇ
કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી હતી. આથી 39 સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે. ઈન્કમટેક્સ, ઈન્સ્યોરન્સ અને ટેલિકોમ સેક્ટરના કર્મચારીઓ સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવવામાં આવી છે. જોકે ધરપકડની સૂચના બાદ 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મીઓની જરૂર છે. આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટે 2700 કર્મીઓએ રજૂઆત પણ કરી છે.
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓના તો ટ્રાન્સફર થઈ ગયા છે. કેટલાકે અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી છતાંય કેટલાક કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.
- Advertisement -
2700 કર્મચારીઓએ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની માંગ કરી
2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની રજૂઆત કરી છે. જેમાં મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત તેમજ લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરીને તેઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માંગી છે. જો કે, હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.