નક્કી કરેલી શરતો મુજબ બાંધકામ ન થતાં વેપારીઓ અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુર જલારામધામ નજીક સૌભાગ્ય ચોકડી પાસે નેશનલ હાઇવે નં. 27 પરના ઓવરબ્રિજ નીચે બોક્સ નાલાનું કામ નક્કી કરેલી શરતો મુજબ ન થતું હોવાની ફરિયાદ સામે આવી છે. વેપારી એસોસિયેશન, ગેસ્ટહાઉસ એસોસિયેશન તથા ગ્રામજનોએ સંયુક્ત રીતે આ કાર્યનો વિરોધ કરતા આવેદનપત્ર પાઠવ્યું અને સૂત્રોચાર કર્યા. ગ્રામજનોએ માંગણી કરી હતી કે નાલાની ઊંચાઈ-પહોળાઈ 5.5 મીટર સ 20 મીટર હોવી જોઈએ, જેથી ભારે વાહનો, ટ્રાવેલ્સ બસો, ક્રેન અને કૃષિ વાહનો વિરપુરમાં સરળતાથી પ્રવેશી શકે. પરંતુ હાલ ચાલી રહેલા કામમાં નાલાનું માપ માત્ર 4 મીટર સ 12 મીટર રાખવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ નાલાનું માપ બદલવામાં નહીં આવે તો ભવિષ્યમાં વિરપુર ગામમાં મોટા વાહનોને પ્રવેશવા મુશ્કેલી થશે, જેના કારણે યાત્રાળુઓ તથા રહેવાસીઓ માટે કાયમી મુશ્કેલી ઊભી થશે. સ્થાનિકોએ રોડ કોન્ટ્રાક્ટરના અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે તાત્કાલિક 5.5 મીટર સ 20 મીટર માપનું નાલું બનાવવામાં આવે. નહીં તો સમગ્ર વિરપુર ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
યાત્રાધામ વિરપુરમાં યાત્રાળુઓની વધતી આવકને લઈને ચિંતાઓ
વિરપુર જગવિખ્યાત યાત્રાધામ હોવાથી અહીં દિનપ્રતિદિન યાત્રાળુઓનો ઘસારો વધી રહ્યો છે. જુનાગઢ, જેતપુર, પોરબંદર અને ગિરસોમનાથ તરફથી આવતા યાત્રાળુઓની બસો તથા ભારે વાહનોને હાલના માપના નાલા કારણે વિકલ્પિક માર્ગ ન હોય, સીધા વિરપુર ગામમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનશે.