કેનેડાના વેનકુવરમાં ખાલિસ્તાનીઓની કરતૂત
હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આ પોસ્ટરમાં ઉલ્લેખ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારતીય અધિકારીઓને ધમકી આપવાના પ્રયાસો ચાલુ છે. ગઈકાલે ફરી એકવાર કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસ પર ભારતના રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલની તસવીરોવાળા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. આ પોસ્ટર પર ’વોન્ટેડ’ શબ્દ લખવામાં આવ્યો હતો.
કેનેડામાં માર્યા ગયેલા ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આ પોસ્ટરમાં ઉલ્લેખ છે. ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવે છે. કોન્સ્યુલર સંબંધો પર વિયેના ક્ધવેન્શન હેઠળ, કોઈપણ દેશના દૂતાવાસની સુરક્ષા તે દેશની જવાબદારી છે. આવી સ્થિતિમાં ગઈકાલે સવારે જ્યારે ભારતીય અધિકારીઓને આ અંગેની જાણ થઈ, ત્યારે તેઓએ કેનેડિયન અધિકારીઓને આ ચૂક અંગે ફરિયાદ કરી હતી જે ચૂકના કારણે ભારતના કોન્સ્યુલેટ જનરલની ઇમારત પર ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ પોસ્ટરો વહેલી સવારે લગાવવામાં આવ્યા હતા. દૂતાવાસે તાત્કાલિક પગલાં લેવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે.
કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ભારત વિરોધી વીડિયો અને પોસ્ટરોનો સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જૂનમાં ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વર્ષગાંઠ નિમિત્તે ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં પરેડ કાઢી હતી. તેમાં ઈન્દિરા ગાંધીની હત્યાનું ચિત્રણ કરતી એક ઝાંખી પણ બતાવવામાં આવી હતી. આ સિવાય શીખ ફોર જસ્ટિસના બેનર હેઠળ કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો પર ’કિલ ઈન્ડિયા’ લખેલું હતું. આ પહેલા સોમવારે પણ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં લગાવવામાં આવેલા પોસ્ટરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેનો પ્રચાર પાકિસ્તાન સ્થિત અથવા પાકિસ્તાન તરફી હેન્ડલ દ્વારા કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ નવું ભારત વિરોધી પોસ્ટર એવા સમયે સામે આવ્યું છે જ્યારે શીખ ફોર જસ્ટિસ સપ્ટેમ્બરમાં ફરી એકવાર જનમત સંગ્રહનું આયોજન કરી શકે છે. ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ કેનેડામાં સમયાંતરે લોકમતનું આયોજન કરે છે.