મંજૂરી વગર બાંધકામ અટકાવવા નોટિસનો ઉલાળિયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રહેણાક પ્લોટિંગ પર કોમર્શિયલ બાંધકામ અને તે પણ મંજૂરી વગર કરવામાં આવી રહ્યું છે. તંત્રને આ અંગેની જાણ થતા જ તાત્કાલિક બાંધકામ અટકાવવા અને મજૂરી અંગેના પુરાવા રજૂ કરવા માટેની નોટિસ પાઠવી છે પરંતુ તંત્રની નીતિશને તો માત્ર એક કાગળનો ટુકડો સમજી વર્તમાન સમયમાં પણ પાર્ટી પ્લોટનું બાંધકામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. હળવદ રોડ પર આવેલી સર્વે નંબર 1163 વાળી જમીન પરના ક્રમ નંબર 2થી 6ના રહેણાક પ્લોટ પર શરૂ કરેલ પાર્ટી પ્લોટ બનાવવા માટેનું કોમર્શિયલ બાંધકામ લગભગ મોટાભાગનું પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ બાંધકામ પણ એની માલિકીના પ્લોટમાં થયું હોવાનું સામે આવ્યું છે ટૂંકમાં દરેક પ્રકારે ગેરકાયદેસર કહી શકાય તે પ્રમાણેનું બાંધકામ થયું હોવાની જાણ સ્થાનિક નગરપાલિકાને થતા જ ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા મનસુખભાઇ પટેલને નોટિસ ફટકારી હતી તે સમયે અહીં પાર્ટી પ્લોટના મેઈન ગેઈટ પર તાળું મારી અંદર છાના ખૂણે બાંધકામ ચાલતું હતું પરંતુ જ્યારે ટાઉન પ્લાનિંગ કમિટીના કર્મચારીઓ અહીં સ્થળ મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પ્લોટના કેટલાક હિસ્સાનું બાંધકામની રહેણાક અર્થે મંજૂરી લેવામાં આવી હતી જે રહેણાક મકાન બનાવવા માટેની હોવા છતાં પણ અહીં પાર્ટી પ્લોટની રસોડું તૈયાર કરી બાજુમાં પાર્ટી પ્લોટનો હોલ તૈયાર થઈ રહ્યો હતો. જેથી તંત્રે મજૂરી વગર થતા બાંધકામ અંગે નોટિસ આપી છે. પરંતુ નોટિસ આપ્યા છતાં પણ બાંધકામ હાલની સ્થિતિમાં શરૂ રાખ્યું છે અને તંત્રની નોટિસને નજર અંદાજ કરી ઠેબે ચડાવી હોય તેવી સ્થિતિ નજરે પડે છે ત્યારે હવે નોટિસ આપવા છતાં ઉલંઘન કરવા બદલ તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે છે ? તે જોવું રહ્યું.



