સરવે નં.250 પૈકીની 30 ગુંઠાની કિંમતી જમીનનું બોગસ સાટાખત બનાવી લીધુ: PI વાય. બી. જાડેજાએ તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રૈયા રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીની જમીનનો બોગસ બાનાખત બનાવી જમીન તકરારી બનાવી દીધાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચના નોંધાઈ છે. મળતી વિગત મુજબ રૈયા સરવે નં.250ની ગાયત્રીનગર સોસાયટીના 375 સભ્યોની કિંમતી જમીનને ત્રણ શખ્સોએ બોગસ બાનાખત બનાવી તકરારી બનાવી દીધાની ફરિયાદ ડીસીબીમાં નોંધાઈ છે. કાલાવડ રોડ ન્યુ પરિમલ સ્કૂલ પાસે 1 બી શક્તિનગરમાં રહેતાં રાજેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ જસાણી નામના વેપારીની ફરિયાદને આધારે મહેશ ગોવિંદ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, સુનિલ દલપસિંહ ઠાકોર અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.
રાજેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ પૂર્વ યોજીત કાવત્રુ રચી પોતાના આર્થિક ફાયદા માટે ગાયત્રીનગર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના કુલ 375 સભ્યોની રાજકોટ તાલુકાના રૈયાના સરવે નં.250 પૈકીની 30 ગુંઠાની કિંમતી જમીનનું બોગસ સાટાખત બનાવી લીધું હતું. તેમજ બનાવટી બાનાખત ઉભું કરી ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ દાવો ચાલુ હોઇ તેમાં બોગસ બનાવટી બાનાખત ખરા તરીકે રજૂ કર્યું હતું.