યુનિવર્સિટીની ‘ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર’ ની સલાહકાર સમિતિની બેઠક કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારીત ખેતી તથા કેન્દ્રની આગામી વિવિધ પ્રવૃત્તિઓ તથા તથા કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થાય, ગાય આધારીત ખેતીને વેગ મળે, વિનયન અને વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન કરાવવા, ગાય આધારીત ઉદ્યોગોની માહિતી અને સંશોધન કરવું, છેવાડાના વ્યકિત સુધી માહિતી પહોંચે, મુલ્યયુકત શિક્ષણ તરીકે ગાયનું જતન અને પાવિત્ર્ય અંગેની જાગૃતિ ફેલાવવી આ બધા કેન્દ્રના મુખ્ય હેતુ છે.
ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ, ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર એ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી વિષય આધારિત સર્ટીફીકેટ કોર્ષ શરુ કરવા માટે વિચારણા કરવામાં આવશે.