ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વર્ષો બાદ આક્રમકતાથી આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આહ્વાન પર શુક્રવારે સવારે જિલ્લાભરમાં રસ્તા રોકો આંદોલન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7નો ખોટી રીતે ઉપયોગ કરી અનેક મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે લોકશાહી પ્રણાલી માટે ગંભીર અને ચિંતાજનક બાબત છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા અગાઉ પ્રશાસનને 13 ફેબ્રુઆરી સુધી કડક અને પારદર્શક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયગાળા સુધી યોગ્ય પગલાં ન ભરાતા શુક્રવારે જિલ્લા સ્તરે આક્રમક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો આંદોલન અંતર્ગત જિલ્લાના વિવિધ હાઈવે તથા શહેરી વિસ્તારોમાં કાર્યકરો દ્વારા વાહન વ્યવહાર રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેટલાક સ્થળોએ ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર તત્પર બન્યું હતું અને જિલ્લાભરમાંથી આશરે 200થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં. 7નો ખોટો ઉપયોગ કરનારા જવાબદારો અને સંકળાયેલા લોકો સામે નિષ્પક્ષ તપાસ કરી કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ મતદારોના નામ ખોટી રીતે કમી થયા છે, તે તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં આવે તથા આગામી સમયમાં જો માંગણીઓ પર યોગ્ય અને સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.



