રાજકોટ મહાનગરપાલિકામાં 20મીએ જનરલ બોર્ડ મળશે
શહેરની હદ પૂરી થાય છે ત્યાં સાઇન બોર્ડ મૂકવાનો મુદ્દો પણ બોર્ડમાં ચગશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ર્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈકી કોઇપણ એક નગરસેવકના પ્રશ્ર્નથી બોર્ડની શરૂઆત થાય છે અને તેની માહિતી આપવામાં સમય પૂરો થઇ જાય છે ત્યારે આ વખતે પ્રશ્ર્નોના કરાયેલા ડ્રોમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના 3 પ્રશ્ર્ન પ્રથમ ક્રમે આવી જતા બોર્ડમાં ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો અને નવા વિસ્તારોમાં સાઇન બોર્ડ મુદ્દે તડાફડી બોલશે. લાંબા સમય બાદ શાસકના બદલે ચિઠ્ઠીમાં વિપક્ષના નેતાનું પ્રથમ પ્રશ્ર્નમાટે નામ ખૂલતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને શાસકપક્ષ પણ સાધારણ સભામાં વિપક્ષને કેવી રીતે કાબૂમાં રાખવો તેની રણનીતિ ઘડવામાં લાગી ગયો છે. અને સાધારણ સભામાં શાસક વિપક્ષના કુલ 15 નગરસેવકે 25 પ્રશ્ર્નો પૂછ્યા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 પ્રશ્ર્ન અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 સવાલ ઉઠાવ્યા છે.
જો કે બોર્ડમાં પ્રથમ પ્રશ્ર્ન વશરામ સાગઠિયાનો હોય ભાજપ સાધારણ સભા પર પોતાની પકડ જાળવી રાખવા સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે તેમાં બેમત નથી. આથી સાધારણ સભા શરૂ થતાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રથમ પ્રશ્ર્નનો જવાબ આપવા માટે પરિપત્ર અને જીડીસીઆર વાંચશે અને તે દરમિયાન ભાજપ પેટા પ્રશ્ર્ન પૂછી અથવા અન્ય રીતે વળતો હલ્લો બોલાવશે અને ગાડી આડે પાટે ચડાવી દેશે અને શાસકોની નીતિથી ત્રસ્ત થઈને વિપક્ષ વળતો દેકારો બોલાવશે અને આ રીતે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નો કોરાણે મૂકી ભાજપ-કોંગ્રેસ સામસામે દેકારા બોલાવી એક કલાક પૂરી કરી નાખશે.
ઉલ્લેખનીય છે કે, જો કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં જૂની મતદાર યાદીના આધારે સમયસર યોજાય તો આ સાધારણ સભા અંતિમ બોર્ડ બનશે, બાકી ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી થાય તો આ પછી પણ બોર્ડ મળી શકે છે.
- Advertisement -
વોર્ડ નં.15ના કોર્પોરેટર અને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ઉઠાવેલા પ્રશ્ર્નોમાં
1 રાજકોટમાં રાજકોટમાં આર્કિટેક્શન પ્રોજેક્ટ(ફ્લાવર બેડ) ને કારણે બીયુપી અટકાવ્યા હોય તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા કેટલી છે? જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ, વિસ્તાર વાઇઝ અને બિલ્ડિંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો. ફ્લાવર બેડવાળા બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તા.18-10-2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કાર્યવાહી તા.11-11-2025 સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી આ કામગીરી ક્યારે શરૂ થશે અને તેના માટે ટાઉન પ્લાનિંગ વિભાગમાં શું વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે તેની વિગત જણાવશો.
2 રાજકોટ શહેરની હદમાં નવા ગામો ભળ્યા બાદ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે તેની સંપૂર્ણ વિગત માઇલ સ્ટોન સાથે આપશો. જ્યાં હદ પૂરી થાય છે ત્યાં હદ પૂરી થવાના સાઇન બોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી ?
3 છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના ક્યાં રસ્તા કઈ એજન્સી દ્વારા ક્યાં ક્યાં કારણોસર ખોદકામ કરવામાં આવ્યા, રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે, કેટલા ખોદકામ મંજૂરીથી તેમજ રસ્તા રિપેરિંગની ડિપોઝિટ લઈને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવ્યા તે રસ્તાથી મહાનગરપાલિકાની તિજોરીને કેટલો ખર્ચ થયો જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ માગવામાં આવી છે.
બાંધકામ રેગ્યુલરાઇઝ માટે 100થી ઓછી અરજી આવી
રાજકોટ શહેરનો ફ્લાવર બેડનો પ્રશ્ર્ન હલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર કરી દીધો છે, પરંતુ હજુસુધી બિલ્ડરો તેમાં રસ દાખવી રહ્યા નથી. મહાનગરપાલિકાના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યા અનુસાર હજુ સુધી ફ્લાવર બેડના ઇસ્યૂ ધરાવતા 80થી 90 બાંધકામો માટે બી.યુ.પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની અરજીઓ આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં 1400થી વધુ બાંધકામોના કમ્પ્લીશન અને બી.યુ.પરવાનગીનો પ્રશ્ર્ન લટકેલો છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ બિલ્ડરો હજુ સુધી મનપાના પગથિયાં ચડવા માટે તૈયાર ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ડેપ્યુટી કમિશનરની ભરતી સહિતની દરખાસ્તો
આ સાધારણ સભામાં સાંસદ, કમલમ સહિતનાને જમીનનું વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતીને મંજૂરી. 1056 આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા, વિવિધ રમતગમતના મેદાનો અને સ્પોર્ટ્સ ફેસિલિટીના ભાડા રિવાઈઝ કરવા, શિવ ટાઉનશિપની દુકાનોનું હરાજીથી વેચાણ કરવા સહિતની 12 દરખાસ્તનો સમાવેશ થાય છે.



