ગુજરાત કોંગ્રેસના નવા સુકાની શકિતસિંહ ગોહિલ: પ્રદેશ નેતાઓ સાથે બેઠકના 24 કલાકમાં જ ફેરફાર
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળતા નેતાગીરી પરિવર્તનની હિલચાલ શરૂ થઈ ગઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર 35 ટીકીટો પૈસા લઈને વેંચી દેવાયાનો રીપોર્ટ આંતરીક જુથબંધી વગેરેથી ઘેરાયેલા કોંગ્રેસને ફરી મજબુત કરવાના ઉદેશ સાથે હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખપદેથી જગદીશ ઠાકોરને હટાવીને સુકાન સીનિયર નેતા શકિતસિંહ ગોહીલને સોંપ્યું છે. સંપૂર્ણ સતા સાથે છુટ્ટોદોર સાથે તેઓને ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો છે.આવતા દિવસોમાં પ્રદેશથી લઈને શહેર-જીલ્લા સુધીનાં સંગઠનોમાં ફેરફારો થવાના સંકેતો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓને મંગળવારે દિલ્હી તેડાવીને મીટીંગ કર્યા બાદ હાઈ કમાન્ડે માત્ર 24 કલાકમાં જ નવા પ્રદેશ પ્રમુખનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો.
ગુજરાતના સિનીયર નેતા અને ચાર વખત ધારાસભ્ય તથા વિપક્ષી નેતાપદની જવાબદારી સંભાળી ચુકેલા શકિતસિંહ ગોહીલ પર કળશ ઢોળવામાં આવ્યો હતો. તેઓને દિલ્હી હરીયાણાનાં પ્રભારીની જવાબદારીમાંથી મુકત કરવામાં આવ્યા છે અને દિપક બાબરીયાને તે સોંપવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળતા નેતાગીરી પરિવર્તનની હિલચાલ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલે કહ્યું કે ગુજરાતમાં ભાજપનાં કુશાસન સામે ‘લોકઅવાજ’ બનવાની પોતાની પ્રાથમિકતા રહેશે. આગામી લોકસભા તથા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને હરાવવાનું લક્ષ્ય રહેશે. કોંગ્રેસ પુરી તાકાતથી ભાજપના ગેરવહીવટને ખુલ્લા કરીને લોકોની વચ્ચે જશે.
વિધાનસભા ચૂંટણી હારના કારણો શોધવા માટે મોવડી મંડળે નીતિન રાઉતનાં વડપણ હેઠળ ત્રણ સભ્યોની સત્ય શોધક કમીટી બનાવી હતી, તેનાં દ્વારા સોંપાયેલા રીપોર્ટમાં આયોજનબદ્ધ પ્રચારની કમી ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ, પ્રદેશ સંગઠનમાં સંકલનનો અભાવ અને નબળા સંગઠન જેવા કારણોને આગળ ધરવામાં આવ્યા હતા. 35 જેટલી બેઠકોમાં ‘વહિવટ’ થયાનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે શકિતસિંહ ગોહીલ સીનીયર નેતા તો છે પરંતુ કોઈ ડખલગીરી વિના વહીવટ કરવાનો મત ધરાવે છે.આ હકીકતને લક્ષ્યમાં રાખીને હાઈ કમાન્ડ દ્વારા તેઓને ‘છુટ્ટોદોર’ આપવામાં આવ્યાનું માની શકાય છે.ભુતકાળમાં પણ તેઓને પ્રમુખપદની ઓફર થઈ હતી. પરંતુ તેઓએ સ્વીકારી ન હતી. આ વખતે તેઓને ભારપૂર્વક ફરજ જવાબદારી સોંપવામાં આવ્યાનું માનવામાં આવે છે.
- Advertisement -
ગોહીલ સામેે સૌપ્રથમ આંતરીક જુથબંધી તોડીને સંગઠનને મજબુર કરવાનો પડકાર
નવનિયુકત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલ માટે સૌપ્રથમ આંતરીક જુથબંધી તોડીને સંગઠનને મજબુર કરવાનો પડકાર રહેશે તે સ્પષ્ટ છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પણ તુર્તમાં બદલાશે. અમીત ચાવડાના સ્થાને પાટીદાર અથવા અન્ય ઓબીસી ધારાસભ્યની નિમણુંક થઈ શકે છે. હાઈકમાંડ દ્વારા અમીત ચાવડા પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવ્યુ હોવાની ચર્ચા છે. લોકસભા ચૂંટણીમાં નવી તાકાત-જોમ સાથે મેદાને ઉતરવાના ઉદેશ સાથે આ ફેરફારો થઈ રહ્યા છે.