નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડ સામે આમ આદમી પાર્ટી મેદાનમાં
વિરોધ ન કરવા પાછળ કોંગ્રેસની મિલીભગત કે મજબૂરી?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મહાકૌભાંડ સામે હવે આમઆદમી પાર્ટીએ પણ એલાને જંગ જાહેર કર્યો છે ત્યારે સવાલ એ થાય કે કોર્પોરેશનમાં વિરોધપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવાની જેની કાયદેસર ફરજ છે તેવા કોંગ્રેસના નગરસેવકો અને પક્ષના નેતાઓ હજુ કેમ મૌન છે? મહાનગરપાલિકાની સમિતિના મહાકૌભાંડ મામલે કોંગ્રેસના અકળ મૌનથી એવો સવાલ પણ જનતાના મનમાં ઘુમરાય રહ્યો છે કે કોંગ્રેસની મિલીભગત છે કે મજબૂરી? શિક્ષણ સમિતિના કૌભાંડ બાબતે મોંઢા સીવીને બેસી જનાર કોંગ્રેસના નગરસેવકો અને પક્ષના નેતાઓએ એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે પ્રજા પાસે મત માગવા જવાનો સમય આવશે ત્યારે જનતા આ મૌનનો ચોક્કસ જવાબ માગશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારની વાતો છેલ્લાં કેટલાક સમયથી ‘ખાસ-ખબર’માં નિયમિત પ્રસિદ્ધ થઈ રહી છે. શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો આ ઘટનાથી હચમચી ઉઠ્યા છે ત્યારે જનતા પાસે મત માગવા જનાર અને જનતાના મતે નગરસેવક કે અન્ય રાજકીય હોદ્દો મેળવનાર તમામની નૈતિક ફરજ છે કે આવી બાબત સામે અવાજ ઉઠાવે અને ભ્રષ્ટાચારીઓનો ભાંડો ફોડે. આમઆદમી પાર્ટી વાસ્તવમાં કોર્પોરેશનમાં ક્યાંય ન હોવા છતાંય પ્રજાના પ્રશ્ર્ને મેદાનમાં આવી છે ત્યારે કોંગ્રેસ કેમ નહીં? કોંગ્રેસના નગરસેવકો ફરજ ભૂલ્યા કે ‘તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ’ જેવો માહોલ સર્જાયો છે.
શિક્ષણ સમિતિના સત્તાધીશો દ્વારા થતાં કૌભાંડો અને આચાર્યો-શિક્ષકોને આપવામાં આવતા ત્રાસ અંગે
‘ખાસ-ખબર’ને મો.નં. 76982 11111 પર જાણ કરો. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.