કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: લોકોની હકાલપટ્ટી કરવા સુધીની પણ તૈયારી
રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ તેમણે કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત આપી દીધા હતા અને અનેક લોકોની હકાલપટ્ટી કરવા સુધીની પણ તૈયારી બતાવી દીધી હતી. જોકે તાજેતરના અહેવાલ અનુસાર કોંગ્રેસમાં લાંબા સમય બાદ કોઈ મોટી એક્શનની તૈયારી દેખાઈ રહી છે. માહિતી મુજબ કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા છે. જોકે આ એક્શનનો ઉદ્દેશ્ય કોંગ્રેસ સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
દિલ્હીમાં 3 દિવસ યોજાશે ‘મહામંથન’
માહિતી મુજબ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશભરમાંથી આવનારા 700 જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે 3 દિવસ માટે મહામંથન યોજાવાનું છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ બેચમાં આ બેઠક કરશે અને તમામને કોંગ્રેસના નવા સંગઠનીય માળખાથી ઓળખ કરાવશે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીને ધરમૂળથી મજબૂત કરવાનો છે. આગામી 27 અને 28 માર્ચ તથા 3 એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખ દિલ્હી પહોંચશે. અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને એઆઈસીસીના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ તમામ સાથે મહામંથન કરશે.
ગુજરાતમાં હાથ ધરશે ‘પાઈલટ પ્રોજેક્ટ’
- Advertisement -
કોંગ્રેસમાં 16 વર્ષ બાદ આવી કોઈ બેઠક યોજાવા જઈ રહી છે જે પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રો મુજબ આ પહેલનો પાઈલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરાશે જ્યાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં DCCના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકાશે.