45 ગામના ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘનું ખેતીવાડી અધિકારીને આવેદન
પાછોતરા વરસાદથી મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ જતાં ખેડૂતોની સ્થિતિ દયનીય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકમાં પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીનના પાકને પારાવાર નુકસાન થયું હોય પાછોતરો વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે.પાછોતરા વરસાદથી ખરીફ પાકને થયેલ નુકસાનની નું સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે.
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો વતી ખેતીવાડી અધિકારીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા પંથકમાં પ્રથમ વખત પાંચ દિવસ મુશળધાર પાછોતરો વરસાદ પડ્યો હતો ત્યારબાદ ગઈકાલે બુધવારે તાલુકાના 25 જેટલા ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ફરી ખાબક્યો હતો જેને કારણે ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરાને પારાવાર નુકસાન થયું છે.ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ જતા ખેતરમાં ઉભેલા મગફળી અને સોયાબીનના પાકને પણ અકલ્પનીય નુકસાન થયું છે.તાલાલા પંથકનો પાછોતરો મુશળધાર વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો હોય પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મોંઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે જેને કારણે ખેડૂતો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા હોય પાછોતરા વરસાદના કારણે થયેલ નુકસાની નું તુરંત સર્વે કરાવી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર ચૂકવવા આવેદનપત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે.આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પ્રવીણભાઈ છોડવડીયા(પ્રમુખ),રાજેશભાઈ પાનેલીયા(જિલ્લા ઉપપ્રમુખ),ગૌતમભાઈ ચોવટીયા(સભ્ય)સહિત કિસાન સંઘના અગ્રણીઓ જોડાયા હતા.



