જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યા બાદ તંત્રની સમીક્ષા શરૂ
તબેલામાંથી ઘોડાં છૂટી ગયા બાદ તાળાં મારતું વહીવટી તંત્ર
- Advertisement -
ઘેડ પંથકના ગામડાંઓ વર્ષોથી ચોમાસામાં યાતના વેઠી રહ્યા છે
કરોડોના ખર્ચે બનાવેલો પાળોતૂટી જતા ખેતી જમીન ધોવાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા 16 ઇંચ જેટલા વરસાદના લીધે સમગ્ર જિલ્લાને ઘમરોળી કાઢ્યો હતો ત્યારે ભારે વરસાદના લીધે જિલ્લામાં અનેક જગ્યાએ ખાના ખરાબીના દર્શ્યો સામે આવ્યા છે.જિલ્લામાં અનેક વૃક્ષો સામે જર્જરિત ઇમારતો સાથે વીજ પોલ સાથે વીજળી પડવાથી પશુ મોત અને ખેરતોમાં પાણી ઘુસી જતા ખેતી પાક નુકશાની સાથે ખેતરોના ધોવાણ થયા હોવાનું સામે આવતા હવે વરસાદે ગઈકાલ થી વિરામ લેતા તંત્ર દ્વારા સમીક્ષા અભિયાન શરૂ કર્યું છે ત્યારે લોકો કહે છે કે, તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તંત્ર તાળા મારવા દોડ્યું છે.પ્રિ-મોનસુન કામીગીરી માત્ર કાગળ પર જોવા મળી તેવા અનેક સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર મુખ્ય ત્રણ તાલુકા સાથે જોડાયેલ છે.જેમાં માણાવદર, માંગરોળ અને કેશોદ સાથે પોરબંદર જિલ્લામાં પણ ઘેડ પંથકના ગામડાઓ ઘેડ સાથે જોડાયેલ છે.
ત્યારે રકાબી ટાઈપનો ઘેડ વિસ્તારમાં વર્ષોથી ભારે વરસાદના લીધે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો યાતના વેઠી રહ્યા છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી અને પ્રતિ વર્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોની જમીન ધોવાણ સાથે ખેતી પાકને નુકશાન જોવા મળે છે.હાલ ગઈકાલથી વરસાદે વિરામ લેતા ઘેડના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.જોકે વાત કરીયે તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકના મતક્ષેત્રમાં આવેલ ઓઝત નદીનો પાળો ઘેડ પંથકમાં પાણી ઘુસી ન જાય તેના માટે કેશોદ તાલુકાના પાડોદર ગામ નજીક કરોડોના ખર્ચે પાળો બનાવામાં આવ્યો હતો પણ થોડાક વર્ષોમાં પાળો તૂટી જતા ઘેડ વિસ્તારના ગામોમાં ઓઝત નદીનું પાણી ઘુસી જતા સેંકડો ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું જેના લીધે ખેતી પાક સાથે જમીનનું ધોવાણ થતા ખેડૂતોને નુક્શની વેઠવાનો વારો આવ્યો છે.
તંત્રની સમીક્ષા બેઠકમાં ખેડૂતોને વળતર મળશે?
જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદના પગલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં પડેલા વરસાદની સ્થિતિમાં જરૂરી કામગીરી કરવા સમિક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયાની ફરિયાદો, નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો તેમજ દરેક વિભાગના સંબંધિત અધિકારીઓના ઇનપુટ્સ લઇ જિલ્લા કલેક્ટરે પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાઇ જે-તે અસર ગ્રસ્ત વિસ્તારની સ્થિતી જણાવી હતી ત્યાર બાદ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે ધરાશાયી થયેલા વૃક્ષો, નિચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીનો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવો તેમજ મચ્છરજન્ય રોગ ન ફેલાય તેની તકેદારી રાખવી અને વધુમાં વરસાદને કારણે રસ્તાઓ તુટી ગયા હોઇ અથવા ધોવાણ થયું હોઇ તેની શક્ય તેટલી ઝડપી કામગીરી ચાલુ કરવી. ગટરોના ઢાંકણામાં પાણીનો ભરાવો થયો હોઇ તો ત્યાથી પાણીનો નિકાલ કરવો,સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રીટ પોલ વગેરેમાં પણ જો કોઇ સમસ્યા હોય તો ઝડપી નિરાકરણ લાવવું. શાળા કોલેજોમાં પણ જો પાણીને કારણે બાળકોને, વિદ્યાર્થીઓને મુશ્કેલી આવતી હોય તો મર્યાદિત સમય પુરતા નજીકની શાળામાં શિફ્ટ કરવા સહીતના કામોનો ઝડપી નિકાલ કરવા આદેશ કર્યા હતા ત્યારે શું ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર મળશે તેવા સવાલો ખેડૂતો કરી રહ્યા છે.