PLVCLમાં સબ ડિવિઝન દીઠ એક જ ટાવર લેડર, ગ્રાહકોની ફરિયાદો નિવારવામાં વિલંબ
ચોમાસામાં રોજ ઢગલાબંધ ફરિયાદો, વીજકંપનીને ક્યારેક મનપા પાસેથી જીપ ઉછીની માગવી પડે છે!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વીજળી ગુલ થવા સહિતની ફરિયાદોનું પ્રમાણ પણ વધ્યું છે, પરંતુ પીજીવીસીએલમાં હાલ થાંભલાની, વીજલાઈનની ફરિયાદો નિવારવા માટે ટાવર લેડરની અછત પ્રવર્તી રહી છે. હાલ દરેક સબ ડિવિઝનમાં માત્ર એક જ ટાવર લેડર છે. કેટલાક સબ ડિવિઝનમાં એ પણ ખખડધજ સ્થિતિમાં છે ત્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે સૌથી વધુ ફરિયાદો આવતી હોય છે. વીજકર્મચારીઓને સૌથી વધુ કામ થાંભલા ઉપર ચઢીને કરવાનું હોય છે જેના માટે આ ટાવર લેડર ઉપયોગી અને ઝડપી નીવડે છે,
પરંતુ હાલ તેની અછત હોવાને કારણે ગ્રાહકોની ફરિયાદો નિવારવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. ક્યારેક તો પીજીવીસીએલના સબ ડિવિઝનની ટાવર લેડર ઉપલબ્ધ ન હોય કે ખરાબ થઇ ગઈ હોય તો કોર્પોરેશનના રોશની વિભાગ પાસેથી માગવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પીજીવીસીએલના એક સબ ડિવિઝનમાં આશરે 30 હજાર જેટલા ગ્રાહક હોય છે. ચોમાસામાં વીજળી ગુલ થયાની ચારેબાજુથી ફરિયાદોનો ધોધ વહેતો હોય છે તેવી સ્થિતિમાં સબ ડિવિઝન દીઠ માત્ર એક જ ટાવર લેડર પૂરતી નથી.
- Advertisement -
કારણ કે, એક જગ્યાથી ફોલ્ટ રિપેર કરીને બીજી જગ્યા પર પહોંચે તેમાં કલાકો વીતી જાય છે. ચાલુ વરસાદે ક્યારેક વીજકંપનીના લાઈન સ્ટાફ માટે પણ થાંભલા ઉપર ચઢીને ફોલ્ટ રિપેર કરવો શક્ય બનતો નથી ત્યારે આ ટાવર લેડર સૌથી વધુ ઉપયોગી નીવડે છે, પરંતુ હાલ એક સબ ડિવિઝન દીઠ માત્ર એક જ ટાવર લેડર હોવાથી ફોલ્ટ નિવારવામાં પણ વિલંબ થતો હોય છે.
વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વીજળી સંબંધિત ફરિયાદો વધી જાય છે. મોટા ફોલ્ટની કામગીરી ટાવર લેડર દ્વારા જ કરી શકાય છે. જે સબ ડિવિઝનમાં એક જ ટાવર લેડર છે એમાં પણ કેટલીક બિસ્માર હાલતમાં છે. આ સ્થિતિને કારણે ગ્રાહકોની સમસ્યા નિવારવા અને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં લાઈનસ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.