ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના મણીમંદિર નજીક દરગાહનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું હોવાથી આ મામલે મોરબી હેરીટેજ બચાવો સમિતિ દ્વારા દબાણ હટાવવા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં શનિવારે રાત્રે હિંદુ સંગઠનના આગેવાનો ધરણા પર બેસી ગયા હતા જેથી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે સુચના આપી હતી અને આખરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આ ગેરકાયદે દબાણ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ દરગાહમાં ધીમે ધીમે બાંધકામ કરી વધુ દબાણ કરવામાં આવતા મોરબી હેરિટેજ બચાવો સમિતિના નેજા હેઠળ જુદાજુદા હિંદુ સંગઠનો દ્વારા આ ધાર્મિક દબાણ હટાવવા મામલે સ્થાનિકથી લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ હતી અને આ સમગ્ર મામલે જીલ્લા કલેક્ટર દ્વારા અંતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં લેવા અભિપ્રાય આપવામાં આવ્યો હતો જો કે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ગઈકાલે મોરબી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની તેમજ ગૌરક્ષા સહિતના સંગઠનો દ્વારા મોડી રાત્રે મોરબીના સર્કીટ હાઉસ ખાતે ધરણા કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી જેથી આખરે માંગ સ્વીકારવામાં આવી છે અને મોરબી માર્ગ મકાન વિભાગના ઈજનેર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ ગેરકાયદેસર દબાણ મામલે દરગાહના મુંજાવર સહિતના જવાબદાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મણીમંદિર પાસેની દરગાહના દબાણ મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
