રૂા. 1.08 કરોડની સોપારી ઉધારમાં લઈ રાજકોટના વેપારીને બુચ મારી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા રોડ પરની પુનિતનગર સોસાયટી મેઇન રોડ પર રહેતા સોપારીના વેપારી મિતેશભાઈ હરીલાલ સાયાણી ઉ.41 પાસેથી અમદાવાદનાં દાણીલીમડામાં રહેતા દલાલ મનસૂર અરબીયાનીએ ઉધારમાં ચાર વેપારીઓને સોપારી અપાવી, પેમેન્ટ નહીં આપી કુલ રૂા. 1.08 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
ઘણા સમયથી ક્રાઈમ બ્રાંચ કેસની તપાસ કરતી હતી આખરે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી જેના આધારે પોલીસે મનસૂર ઉપરાંત ચાર વેપારીઓમાં ધ્રોલમાં રહેતા વિનુભાઈ કાસુન્દ્રા, અમદાવાદના વટવામાં રહેતાં જમીલ મનસૂરી, અમજદ મેવ અને બદરુદ્દીન હફીકઉલ્લા ઉર્ફે હાફીઝી અમજદ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.છેલ્લા ઘણા સમયથી આ કેસની ક્રાઈમ બ્રાંચમાં તપાસ ચાલતી હતી. જેના આધારે આખરે ગુનો દાખલ થયો હતો. ફરિયાદમાં મિતેશભાઈએ જણાવ્યું છે કે કોઠારીયા મેઇન રોડ પર સરદાર પટેલ સ્વિમિંગ પૂલ પાસે વીર ભગતસિંહ શોપીંગ સેન્ટરમાં હરિઓમસેલ્સ એજન્સી અને કોઠારીયા રોડ પર પુનિત સોસાયટી મેઇન રોડ પર શૌર્ય એન્ટરપ્રાઇઝ નામે સોપારીનો હોલસેલ વેપાર કરે છે. 2023ની સાલમાં દલાલીનું કામ કરતાં મનસૂર સાથે પરિચય થયો હતો. ત્યારથી તે તેને ગ્રાહકો શોધી આપતો હતો. જેના બદલામાં તે તેને કમિશન ચૂકવતા હતાં.
સોપારી ખરીદનાર પાર્ટી તરફથી પેમેન્ટની ચૂકવણી 25-30 દિવસ બાદ થાય છે. આ સ્થિતિમાં જ્યારે પાર્ટીને ઓળખતા ન હોય ત્યારે દલાલના વિશ્વાસથી ધંધો ચાલતો હોય છે. આ રીતે મનસૂર મારફતે જે વેપારીઓને સોપારી વેચતા તેના પેમેન્ટની બધી જવાબદારી મનસૂર લેતો હતો. તેની ઉપર વિશ્વાસ હોવાથી તેના ઓળખીતા વેપારીઓને ઉધારમાં સોપારીનું વેચાણ કરતા હતા 2023ના એપ્રિલ મહિનામાં તેણે મનસૂર હસ્તક ધ્રોલના વિનુભાઈ કાસુન્દ્રા કે જે મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે તેને અલગ-અલગ સમયે રૂા. 11.14 લાખની કિમતની 3,250 કિલોગ્રામ સોપારી, અમદાવાદના વટવાનાં જમીલભાઈ કે જે રખીયાલનાં મણીનગરના બિઝનેસ પાર્કમાં હિન્દટ્રેડર્સ નામે પેઢી ધરાવે છે, તેને પણ અલગ અલગ સમયે રૂા. 11.58 લાખની કિંમતની 3250 કિલો સોપારી ઉધારમાં આપી હતી.
જ્યારે અમદાવાદના વટવાના વેપારી અમજદ કે જે નારોલ વિસ્તારમાં વતન એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે, તેને પણ અલગ-અલગ સમયે રૂા. 43.19 લાખની કિંમતની 12,415 કિલોગ્રામ સોપારી, અમદાવાદના જ વટવામાં રહેતા બદરુદ્દીનભાઈ કે જે રખીયાલ સોનીની ચાલ ખાતે સુમેલ-7માં એચ.ઝેડ.એમ. ટ્રેડર્સ નામે પેઢી ધરાવે છે, તેને રૂા. 28.25 લાખની કિમતની 7,930 કિલોગ્રામ સોપારી ઉધારમાં આપી હતી ઉઘરાણી કરતાં ચારેય વેપારીઓ અને મનસૂર ખોટા વાયદાઓ આપતા હતા. આ રીતે પેમેન્ટ ચૂકવ્યું ન હતું. ચારેય વેપારીઓની પેઢી બાબતે તપાસ કરતાં હાલ બંધ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. આ રીતે મનસૂરે કાવત્રું રચી ચારેય વેપારીઓ સાથે મળી તેની સાથે કુલ રૂા. 1.08 કરોડની સોપારી ઉધારમાં લઇ છેતરપિંડી કરી હતી.



