વિવિધ સ્કીમો સમજાવી ગ્રાહકો પાસે રોકાણ કરાવી પૈસા પડાવી લીધા: ચાર માસ પૂર્વે છૂટો કરી દીધા બાદ ભાંડો ફૂટ્યો : સંતોષકારક જવાબ નહિ આપતા ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઝવેરાત બજારમાં ચકચાર જગાવતા એક કિસ્સામાં મવડી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ’અર્જુન જ્વેલર્સ’ના કેશિયરે માલિક અને ગ્રાહકોનો વિશ્ર્વાસ તોડી અંદાજે 2 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ બોરસદના અને હાલ રાજકોટમાં રહેતા હિતેષ શૈલેષ પરમાર નામના શખ્સે પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને જાળમાં ફસાવી, નવી સ્કીમોની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે શો-રૂમના માલિક મનીષભાઈ ઘાડીયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં 1.99 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
કેવી રીતે આચર્યું કૌભાંડ?: હિતેષ પરમાર છેલ્લા એક વર્ષથી અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે ફરજ બજાવતો હતો. તેણે શો-રૂમના ડેટાબેઝમાંથી ગ્રાહકોના નંબર મેળવી તેમનો સીધો સંપર્ક શરૂ કર્યો હતો. ગ્રાહકોને એવી લાલચ આપી હતી કે કંપનીની ખાસ સ્કીમ મુજબ એડવાન્સ ડિપોઝિટ જમા કરાવવાથી છ મહિના બાદ સોનાના બિસ્કિટ કે દાગીનામાં મોટો ફાયદો મળશે. ગ્રાહકોએ જ્વેલર્સના ભરોસે હિતેષને લાખોની રોકડ સોંપી હતી. આરોપીએ ગ્રાહકોને સંતોષ આપવા માટે જ્વેલર્સના નામના ખોટા વાઉચર અને બનાવટી બિલ બનાવી આપ્યા હતા, જેની એન્ટ્રી જ્વેલર્સની ઓફિશિયલ સિસ્ટમમાં ક્યાંય કરી નહોતી.
ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: આરોપીની બદલી જામનગર કરાયા બાદ તેની ગેરવર્તણૂકને લીધે તેને ઓગસ્ટ-2025માં છૂટો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે છેતરાયેલા ગ્રાહકો અસલી વાઉચર લઈને શો-રૂમ પર પહોંચ્યા ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. માલિકે શો-રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોંકાવનારા દ્રશ્ર્યો જોવા મળ્યા હતા. તા. 21-05-2025ના રોજ આરોપી હિતેષ શો-રૂમમાંથી 450 ગ્રામ સોનાના બિસ્કિટનું પાઉચ (જેમાં 100 ગ્રામના 4 અને 50 ગ્રામનું 1 બિસ્કિટ હતું) હળવેકથી પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકીને બહાર જતો કેમેરામાં કેદ થયો હતો. આવી જ રીતે અન્ય કિસ્સામાં 20 ગ્રામની સોનાની ગિની પણ તેણે ચોરી લીધી હતી.
ભોગ બનનાર ગ્રાહકોની આપવીતી: હિતેષે ઇશાબેન સોરઠીયા પાસેથી સ્કીમના નામે 45.40 લાખ રૂપિયા કટકે-કટકે લીધા હતા અને 600 ગ્રામ સોનાનું ખોટું વાઉચર આપ્યું હતું. તેવી જ રીતે અંકીતાબેન રૈયાણી પાસેથી દાગીના અને સોનાના નામે 1.20 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મેળવી હતી અને 450 ગ્રામ સોનું આપવાનું બાકી રાખી ઠગાઈ આચરી હતી. આ ઉપરાંત ચિરાગભાઈ ખુંટ નામના ગ્રાહકના નામે 1.99 લાખનું સોનાની ગિનીનું બિલ બનાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં ગ્રાહકને કશું આપ્યું નહોતું અને સોનું પોતે ઓળવી ગયો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ: જ્યારે 14 ઓગસ્ટના રોજ હિતેષને શો-રૂમ પર બોલાવી હિસાબ માંગવામાં આવ્યો, ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. કુલ રૂ. 1,74,10,000 ની રોકડ ઉચાપત અને રૂ. 25,57,800 ની કિંમતના 265 ગ્રામ સોનાની ગિની-દાગીના મળી કુલ રૂ. 1,99,67,800 ની છેતરપિંડી બદલ ગુનો નોંધાયો છે. તાલુકા પીઆઈ હરીપરા અને તેમની ટીમે વિશ્ર્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાના કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે હજુ પણ અન્ય અનેક ગ્રાહકો આ કેશિયરનો શિકાર બન્યા હોઈ શકે છે.



