ખાસ-ખબર સંવાદદાતા
માળિયા પંથક વર્ષોથી પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી આપવા સરકાર દ્વારા પાણીની પાઈપ લાઈન પાથરી લોકોને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જોકે કેટલાક ફેક્ટરી ધારકો પોતાના ફાયદા માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ચોરી કરતા હોય છે ત્યારે માળીયા તાલુકાના રોહીશાળામાં આવેલ શાઈન માઈકા લેમિનેટ ફેક્ટરીમાં પાણી ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં ફેક્ટરીના માલિક પરસોતમભાઇ દુદાભાઇ વાછાણીએ રોહીશાળા સી સર્વે નં. 121 પૈકી-2 માં આવેલ પોતાની શાઈન માઇકા લેમીનેટ પ્રાઈવેટ લિમિટેડ કંપની માટે જી.ડબલ્યુ.આઈ.એલ.ની એન.સી.31 પાઈપલાઈનમાંથી કંપનીમાં પાણી લઈ જવા માટે 40 મી.મી. વ્યાસ વાળી પાઈપથી કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવાના હેતુથી પાણી લઈને પાણીના પુરવઠામા ઘટાડો થવાનું જાણતા હોવા છતાં પાણીનો બગાડ કરી પાઇપલાઈનને નુકશાન કર્યું હતું જેથી આ અંગે હાલમાં માળીયા મિંયાણા પોલીસે ફેક્ટરી માલિક પરસોતમભાઈ દુદાભાઈ વાછાણી વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.