નવ માસ પૂર્વે ડેન્ગ્યુની સારવાર માટે ગયેલા 28 વર્ષીય યુવાનનું તબીબી બેદરકારીથી મૃત્યુ થયું હતું
માવતરે એકનો એક પુત્ર અને માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં નવ મહિના પહેલા એક યુવકનું મૃત્યું થયું હતું ડેંગ્યૂની બીમારીની સારવાર માટે દાખલ થયેલા યુવકની તબિયત લથડ્યા બાદ તબીબોએ લાપરવાહી દાખવતાં યુવકનું મોત થયું હતું આ બેદરકારી અંગે અંતે બી ડિવિઝન પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી બે ડોક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના પેડક રોડ પર સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા ઉ.49એ 28 વર્ષીય પુત્ર જય રેણપરાના મૃત્યુ અંગે કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઇફકેર હોસ્પિટલના ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલ સામે બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પુત્રને 18 સપ્ટેમ્બર 2024ના તાવ આવતો હોવાથીરિપોર્ટ કરાવ્યો હતો અને તેને ડેંગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તા.19ના સ્કંદ લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેના પ્લેટલેટ કાઉન્ટ 41 હજાર હતા ત્યાર બાદ કાઉન્ટ સતત ઘટતા હતા તા.20ના પુત્રની તબિયત વધું લથડી હતી જરૂર હોય તો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તેવું પરિવારજનોએ કહેતા ડો.હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે અન્ય કોઇ હોસ્પિટલમાં લઇ જાવ કે અમેરિકા લઇ જાવ સારવાર તો આ જ થશે હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી સ્વસ્થ થઇ જવાની ખાતરી આપી હતી.
ત્યાર બાદ કેસ વધુ બગડતાં ડો.હાર્દિકે વોકહાર્ટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પટેલને બોલાવ્યા હતા અને તેણે સારવાર ચાલુ કરી હતી પરંતુ તબિયતમાં સુધારો થયો ન હતો તા.20ની સાંજે ક્રિટિકલ સિચ્યુએશન થઇ જતાં હોસ્પિટલના આઇસીયુમાં પુત્રને ખસેડાયો હતો અને ત્યાંથી અંતે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં અડધો કલાકની સારવાર બાદ જયનું મૃત્યુ થયું હતું સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના ડો.સંઘાણી અને ડો.પટેલની ગંભીર બેદરકારીથી જયનું મૃત્યું થયું હોવાનો પરિવારે જે તે સમયે આક્ષેપ કર્યો હતો પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.
યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને સરકારી મેડિકલ કોલેજની ટીમે તમામ રિપોર્ટ અને સારવાર અંગેની તપાસ કરતાં બંને તબીબોની લાપરવાહી હોવાનો અંતે રિપોર્ટ આપ્યો હતો મેડિકલ કોલેજના રિપોર્ટ બાદ અંતે પોલીસે ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભોગ બનાર જય તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જય રેણપરા કાર લે-વેંચનો ધંધો કરતો હતો અને જયને ચાર માસનો પુત્ર છે બે તબીબોની લાપરવાહીને લીધે કારણે આશાસ્પદ યુવકનું મોત થતા માં-બાપ, યુવકની પત્ની અને પુત્ર સહિતનાઓ ભાંગી પડ્યા છે.
ડો.સંઘાણીની પત્નીએ ઇન્જેક્શન આપ્યા બાદ હાથ-પગ ઠંડા પડી ગયા હતા
- Advertisement -
પુત્ર ગુમાવનાર ચાંદનીબેને વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.20ના બપોરે એકાદ વાગ્યે જયની તબિયત લથડતાં રિસેપ્શન પર ગયા હતા ડો.હાર્દિક સંઘાણીને બોલાવવા કહ્યું હતું, ડો.સંઘાણી હોસ્પિટલમાં હાજર ન હોતો થોડીવાર બાદ તેની ડોક્ટર પત્ની હોસ્પિટલે આવી હતી તે સ્કિનની ડોક્ટર હોવા છતાં ડેંગ્યુના દર્દી જયની સારવાર કરી હતી અને તેણે ઇન્જેક્શન પણ આપી દીધું હતું તેના ઇન્જેક્શન આપ્યા બાદ જયના હાથ પગ ઠંડા પડી ગયા હતા અને તેની આંખો બંધ થવા લાગી હતી.



