વાંકાનેર નજીક દોઢ વર્ષથી ધમધમતું હતું ગેરકાયદે ટોલનાકું, ઋષિકેશ પટેલે કહ્યું- કસૂરવાર સામે પગલાં લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું છે. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેરકાયદે ટોલનાકા કાંડમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્નું છે કે આરોપી અમરશી પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે. જ્યારે ભાજપ અગ્રણીની સંડોવણી પણ બહાર આવી છે. આ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને ઉઢજઙની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. આની તપાસ કરી અને જે પણ કસૂરવાર હશે તેના સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં એક સરકારી કચેરી ગેરકાયદે ધમધમતી હોવાના અહેવાલ તાજા જ છે, ત્યારે રાજકોટથી માત્ર 50 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ગેરકાયદે ટોલનાકું ઊભું કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. બામણબોરથી કચ્છ તરફ જવાના રસ્તા પર વઘાસિયા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા બનાવ્યું છે. જ્યાં રોજ ફોર વ્હીલ વાહનચાલક પાસેથી રૂ. 50, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂ. 100 અને ટ્રકના ચાલક પાસેથી રૂ. 200નું દાદાગીરીથી ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે. પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર, એનએચએઆઈ કે અન્ય કોઇ સરકારી વિભાગના ટોચના અધિકારીઓની આંખમાં ધૂળ નાખી ખુલ્લેઆમ રોજના હજારો, મહિનાના લાખો અને વર્ષે દહાડે કરોડો રૂપિયા ઉઘરાવી ઘરભેગા કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વધાસિયા ટોલનાકાના અડધો કિલોમીટર પહેલા ભેજાબાઝ શખસોએ એક ડાયવર્ઝન ઉભુ કર્યું છે. જ્યાંથી વાહનચાલકો ટોલનાકાથી પસાર થવાની જગ્યાએ એ રોડ પર વળી જાય છે. જે બાદ વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરી વાળા રસ્તે એક કિલોમીટર જેટલુ અંતર પસાર કરી ટોલનાકાથી અડધો કિલોમીટર બાદ અન્ય રસ્તે બહાર નીકળે છે. જ્યાં વાહનચાલકો પાસે ટોલનાકા કરતાં અડધા પૈસા ઉઘરાવવામાં આવે છે. આમ અમુક વાહનચાલકો આ નકલી ટોલનાકાનો ઉપયોગ કરી હાઈવેનો તો ઉપયોગ કરે છે, પરંતુ પૈસા સરકારને આપવાની જગ્યાએ અન્ય જમીન માલિકોને ઓછા રૂપિયા આપી ગુનો કરી રહ્યાં છે. જે મામલે વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમરીશ પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે.