રાજકોટ ખઅઈઝ ટ્રિબ્યુનલે ટેન્કર ચાલકની બેદરકારી ઠેરવી; ઈન્સ્યોરન્સ કંપનીને વળતર ચૂકવવાનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વર્ષ 2018માં આટકોટ નજીક થયેલા અકસ્માતમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ છગનભાઈ સરીયા અને તેમનાં પત્ની રંજનબેન સરીયાનું મોત નીપજ્યું હતું. આ કેસમાં રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે ગુજરનાર દંપતીના વારસદારોને વ્યાજ સહિત કુલ રૂ. 73,00,000/- (તેર્યાશી લાખ) ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.
બનાવની વિગત મુજબ, તા. 30/08/2018ના રોજ છગનભાઈ દંપતી હોન્ડા સ્પ્લેન્ડર પર નાની લાખાવડથી રાજકોટ જતા હતા, ત્યારે સફેદ કલરના ટેન્કર (નં. જી.જે.04.એક્સ.6558)ના ચાલકે બેફિકરાઈથી ચલાવીને તેમને હડફેટે લીધા હતા.
ટ્રિબ્યુનલમાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયા હતા. ટેન્કર ચાલકે શરૂઆતમાં અકસ્માત બન્યો હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ટ્રિબ્યુનલમાં ઊલટતપાસ દરમિયાન તેણે અકસ્માત સમયે પોતે હાજર હોવાનું સ્વીકાર્યું હતું.
એડવોકેટ જોષીની ધારદાર દલીલોને માન્ય રાખીને કોર્ટે અકસ્માત માટે માત્ર ટેન્કરના ચાલકની બેદરકારી ઠેરવી હતી. ટ્રિબ્યુનલે છગનભાઈના વારસદારોને વ્યાજ સહિત રૂ. 58 લાખ અને રંજનબેનના વારસદારોને વ્યાજ સહિત રૂ. 15 લાખ, મળી કુલ રૂ. 73 લાખની રકમ ધ ન્યુ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે ચૂકવવાનો હુકમ કર્યો છે.



