તાજેતરમાં બનેલા ઈન્ડીગો પ્રકરણને લીધે ખુબ અંધાધૂંધી સર્જાઈ. પણ એક પદાર્થપાઠ પણ લોકોને શીખવા મળ્યો કે જો બજારમાં કોઈ ક્ષેત્રે એકાદ બે કંપનીઓનું વર્ચસ્વ થઇ જાય તો તે કેટલી ડેન્જર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે.
મોટાભાગના લોકો માને છે કે આપણે લોકશાહી અને આધુનિક યુગમાં જીવીએ છીએ. પરંતુ સત્યની વધુ નજીક વાત એ છે કે આપણે કોર્પોરેટ યુગમાં જીવીએ છીએ. આપણા દાણાપાણી/રોજીરોટી તો ઠીક પણ આપણા ખોરાક બાબતે પણ આપણે કોર્પોરેટ કંપનીઓ ઉપર નિર્ભર છીએ. ખેડૂતોને બિયારણ , ખાતર અને જંતુનાશક દવાઓ આપતી અમુક કંપનીઓ નક્કી કરે છે કે આપણી થાળીમાં કઈ જાતનું ધાન્ય આવશે. પશુઓને અપાતું ખાણ પણ અમુક કંપનીઓ બનાવે છે. એમને અપાતી વેક્સીન, સપ્લીમેન્ટ બધું કંપનીઓના હાથમાં છે.
- Advertisement -
અંગ્રેજો ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્વરૂપે વેપાર કરવા આવ્યા અને પછી શાસન કરવા લાગ્યા તે સમયગાળાને કંપની રાજ કહેવાય છે. સોએક વર્ષ કંપનીનું શાસન ચાલ્યું ત્યાર પછી બ્રિટનની સંસદે ખરડો પસાર કરીને ભારતનું શાસન પોતાના હાથમાં લઇ લીધું. આ કંપની રાજનો પાયો હતો. આજના કોર્પોરેટ યુગના મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલા છે. ઇસ્ટ ઇન્ડિયા કમ્પની પહેલી મલ્ટી સ્કેલ્ડ જોઈન્ટ સ્ટોક ઇન્ટરનેશનલ કંપની હતી. એટલે કે મોટા પાયે વેપાર કરનાર જેની માલિકી કોઈ એક માણસ પાસે નહિ પણ એના શેર હોલ્ડર્સ પાસે હોય. આમ, સ્ટોક માર્કેટનો પાયો પણ ઇસ્ટ ઈંડિયા કંપનીએ નાખેલો છે.
યુરોપના અનેક દેશોએ આવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીઓ બનાવી હતી જેની નજર ભારત જેવા (એ સમયના સમૃદ્ધ) દેશો સાથે વેપાર કરીને તગડો નફો બનાવવા ઉપર હતી.આ લોકો ભયાનક હદે વકરો અને નફો કરતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓનો નિવૃત થયેલો કર્મચારી રાજાને ઈર્ષા આવે એવું જીવન જીવતો.આજે જેમ કોર્પોરેટ કંપનીઓના ઉચ્ચ પદાધિકારીઓ રાજાઓ જેવું જીવન જીવે છે એના કરતા પણ ભવ્ય વૈભવી જીવન ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સામાન્ય કર્મચારી જીવી શકતો એટલી હદે આ કંપનીઓ ધનવાન હતી.
ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીઓ તો ખાઈ પીને રાજ કર્યું કરીને છેવટે રાષ્ટ્રીયકૃત થઇ ગઈ એટલે કે આ કંપનીઓનો વહીવટ સરકારોએ હાથમાં લઇ લીધો. પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કંપની મોડેલ આપ્યું તે અજર અમર થઈ ગયું. આજે એપલ, નેસ્લે, માઈક્રોસોફ્ટ, યુનિલીવર, પ્રોક્ટર ગેમ્બલ , કોલગેટ જેવી મહાકાય કંપનીઓ આ મોડેલ ઉપર રચાયેલી છે. આ બધી કંપનીઓ ઇસ્ટ ઈંડિય કંપનીની જેમ “મલ્ટીનેશનલ” છે, દર્રેક દેશમાં એની હાજરી છે. ભારત પાકિસ્તાન લડી લડીને ખુવાર થાય પણ બેય દેશમાં યુનિલીવર અને નેસ્લે જેવી કંપનીઓ ધૂમ વેપાર કરે છે. બેય દેશો શસ્ત્રો બનાવતી જાયન્ટ કમ્પનીઓને મબલખ વેપાર આપે છે. અમુક જાણકારો તો ત્યાં સુધી કહે છે કે કંપનીઓ એટલી શક્તિશાળી છે કે બે દેશો વચ્ચે યુદ્ધ અને યુદ્ધ વિરામ ક્યારે કરાવવા તે પણ તેઓ નક્કી કરે છે.
પરંતુ , કંપનીઓના રાજની અમુક છુપી ખાસિયત છે. કંપનીઓના રાજમાં ભલે શરૂઆતમા કોઈ ક્ષેત્રે પાંચ દસ પચાસ પ્લેયર્સ (હરીફ કમ્પનીઓ) હોય. પણ સમય જ્તા માત્ર બે જ કંપનીઓ બાકી રહે છે. બાકી બધી એ બે તોંતિગ કંપનીઓના શરણે જતી રહે છે. એપલ સેમસંગ, જીઓ એરટેલ , ઈન્ડિગો ટાટા , બ્રિટાનિયા યુનિલીવર , ડૂપોંન્ટ – થ્રી એમ જેવી અનેક કંપનીઓ આવી ડ્યુઓપોલીના ઉદાહરણ છે.
- Advertisement -
આ ડ્યુઓપોલી એટલે કે બે કંપનીઓના વર્ચસ્વને કારણે ગ્રાહકોને લાભ કરતા નુકસાન વધુ હોય છે, ગ્રાહકો માને છે કે એમની પાસે ચોઈસ છે પરંતુ ચોઈસ હોતી નથી.
હવે આ તો ધન્ધા ઉદ્યોગ વેપાર પૂરતી વાત થઇ. રાજકારણમાં પણબધા દેશોમાં બે જ પક્ષોની સિસ્ટમ બનવા લાગી છે. હવે નવાઈની વાત એ છે કે કોઈ દેશના મૂળ બંધારણ (ક્ધસ્ટીટ્યુશન)માં પોલિટિકલ પાર્ટી / રાજકીય પક્ષોનો કોઈ ઉલ્લેખ જ નથી. 1985માં સંવિધાનમાં પોલિટિકલ પાર્ટીઓનો ઉલ્લેખ દાખલ થયો છે.
દુનિયાના કોઈ બંધારણ / સંવિધાનમાં કશે જ રાજકીય પક્ષો બનાવની વાત નથી. તો રાજકીય પક્ષો આવ્યા ક્યાંથી ? એ ત્યાંથી જ આવ્યા જયાંથી ઇસ્ટ ઇનડિયા કંપની આવી.
આજનું કોર્પોરેટ રાજ એ જ કંપની રાજનું માનસ સંતાન છે અને આજની લોકશાહી પણ એ જ અંગ્રેજ વેપારીઓની દેન છે જે એટલા શક્તિશાળી થઇ ગયા કે ત્યાંના રાજા ની પાંખો કાપી નાખી. કમ્પની રાજ અમર છે.



