ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ધરખમ વધારો કર્યાને પગલે ખાદ્યતેલોનાં ભાવો સળગ્યા છે અને કિલોએ 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે.જયારે કેન્દ્ર સરકારે ખાદ્યતેલ ઉત્પાદન કંપનીઓએ જુના સ્ટોકનો માલ જુની કિંમતે જ વેચવાની સુચના આપી છે.
- Advertisement -
ઘરઆંગણે તેલીબીયા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની આયાત જકાતમાં 20 થી 22 ટકાનો વધારો કર્યો હતો. ભારત વાર્ષિક જરૂરીયાતોનું 70 ટકા ખાદ્યતેલ આયાત કરે છે. ત્યારે ઘર આંગણે ઉત્પાદન વધારીને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો આશય છે. આ પગલાની તાત્કાલીક અસર હેઠળ ભાવમાં મોટો વધારો થયો હતો.
કેન્દ્ર સરકારે ખાદ્યતેલ એસોસીએશનોને એવુ સુચવ્યુ છે કે ડયુટી વધારા પૂર્વેનો સ્ટોક હોય તેવુ વેચાણ જુના ભાવે જ કરવામાં આવે જેથી ગ્રાહકોને રાંહત મળે ભારત પામોલીન સનફલાવર સોયાબીન જેવા ખાદ્યતેલોની મોટી આયાત કરતુ હોવાનું ઉલ્લેખનીય છે.
ખાદ્યતેલ એસોસીએશનો સાથે કેન્દ્રીય ખાદ્ય સચીવે બેઠક કરી હતી અને ત્યારબાદ સ્ટોકનો માલ જુના ભાવે જ વેચવા સભ્યોને તાકીદ કરવાની સુચના આપી હતી.