એસટી તંત્રની આડોડાઈ સામે મુસાફરોમાં ઉગ્ર રોષ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ડેપોના બસ ડ્રાયવર્સ જાણે એસટી નિગમના અધિકારીઓ કે મેનેજરના કહ્યામાં ન હોય તેમ ટંકારા હાઈવે પર બનાવવામાં આવેલા આલીશાન બસ સ્ટેન્ડમાં બસ લઈ જવામાં મનમાની કરી રહ્યા છે અને રાજકોટથી મોરબી તરફ આવતા મુસાફરોને બસ સુવિધા મળે છે પરંતુ મોરબીથી રાજકોટ કે અમરેલી કે જામનગર જવા ઈચ્છતા મુસાફરોને બસ સ્ટેન્ડનો લાભ મળતો નથી કેમ કે બસ ડ્રાયવર્સ સ્ટેન્ડમાં બસ લાવતા જ નથી અને ઓવરબ્રીજ પુરો થયેથી ટર્ન લેવાને બદલે સીધા જ ચાલ્યા જતા હોવાથી મુસાફરોને તડકામાં ખુલ્લામાં ઉભા રહેવું પડી રહ્યું છે.
- Advertisement -
આઠેક મહિના પૂર્વે 166.53 કરોડના ખર્ચે બનેલું ટંકારાનું નવું નકોર બસ સ્ટેન્ડ ખુલ્લુ તો મુકાયું પરંતુ મુસાફરોને કોઇ વિશેષ ફાયદો થયો નથી. પીકઅપ પોઈન્ટ હટાવવા માટે એસટી તંત્રએ નવું બસસ્ટેન્ડ બનાવવાના નામે કરોડોનું આંધણ કરવાનું નક્કી કર્યું, તંત્રને ખબર હતી કે ઓવરબ્રિજ બની રહ્યો છે તેમ છતાં જૂનુ બસ સ્ટેશન ફરી શરૂ કરવાના બદલે હાઈવે કાંઠે જ બસ સ્ટેન્ડ ખડકી દીધું. હવે નજારો એ બને છે કે, રાજકોટ તરફથી આવતી બસના ડ્રાયવર બસ સ્ટેન્ડ બસ લઇ જાય છે પરંતુ મોરબી તરફથી આવતી બસના ચાલક ઓવરબ્રિજનું ચક્કર લગાવવાને બદલે બારોબાર હાઈવે પરથી પસાર થઈ જતાં ઉતારુઓને તો બસસ્ટેન્ડનો લાભ મળતો જ નથી અને પિકઅપ પોઈન્ટ બંધ કરવા કરાયેલું કરોડોનું આંધણ એસટી તંત્રની આડોડાઈથી મુસાફરો માટે લાભદાયી બન્યું નથી તે વાત પાકી છે.