ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ સમાજ સુરક્ષા હેઠળની જુદી-જુદી સમિતિઓની બેઠક યોજી હતી તેમાં સમાજના જરૂરિયાતમંદ, અશક્ત, દિવ્યાંગો વગેરે માટેની કેન્દ્ર -રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતા લાભોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સાથે જ લોકોને આ જનકલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે તે સુનિશ્ચિત કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોમાં પ્રારંભથી એટલે કે, શિક્ષણ કાર્ય દરમિયાન જ આત્મવિશ્વાસનું નિર્માણ થાય તે માટે બાળકોમાં રહેલી ખૂબીઓ ઉજાગર કરવા જુદી-જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવા અને દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી ઉપરાંત વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ દિવ્યાંગોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું પ્રોબેશન ઓફ ઑફેન્ડસ એક્ટ -1958 હેઠળની સમાજ સુરક્ષા કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જેમાં જેલમાં રહેતા કેદીઓના કુટુંબને કેદી સહાય યોજના અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળે તેમજ જેલમાંથી મુક્ત થતા કેદીઓ માટે રોજગારીની તકો મળે તે માટે આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.