ટકાવારીનો ખેલ કરીને પૈસા ઉઘરાવનાર ‘લાલો’ કોણ ?
પાલિકા પ્રમુખના પતિદેવ પર ટકાવારીના આક્ષેપથી શાસક પક્ષની આબરૂ ધૂળધાણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એકચક્રી ભાજપ શાસિત મોરબી નગરપાલિકા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાના એરણે ચડી છે અને નગરપાલિકા પ્રમુખના પતિનો ટકાવારી ખેલ પ્રજા સમક્ષ ઉઘાડો થયો છે જેમાં મોરબી નગરપાલિકાના પટાંગણમાં પાલિકા પ્રમુખના પતિ અને પાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચાઓ થઈ રહી હતી તેનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં લાલો પૈસા લઈ ગયો છે તેવી વાત પાલિકા પ્રમુખના પતિ કરી રહ્યા છે ત્યારે આ લાલો કોણ છે તે સૌથી મોટો સવાલ ઉભો જ છે.
મોરબી પાલિકા પ્રજા માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર માટે જ છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી કેમકે અગાઉ કોંગ્રેસના શાસનમાં ભાગ બટાઈ કરવામાં આવતી હતી અને હાલમાં પાલિકામાં ભાજપના શાસન પણ ખુલ્લેઆમ ટકાવારીની ચર્ચાઓ થઈ રહી છે જેમાં મોરબી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મહિલા નગરસેવકના પતિ અને ભાજપ કાર્યકર મનુભાઈ સારેસા તથા પાલિકા પ્રમુખના પતિદેવ કે. કે. પરમાર સાથે કોન્ટ્રાક્ટના કામમાં કમિશન ખાવાને લઈ વાયરલ થયેલા વીડિયોએ મોરબી નગરપાલિકામાં ચાલતી ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે જો કે વાયરલ વિડીયો બાદ શાસક પક્ષની આબરૂ ધૂળધાણી થતા પાલિકા પ્રમુખના પતિ સામે કરેલા આક્ષેપોને મજાક મસ્તી પણ ગણાવવામાં આવી રહ્યા છે. અહીં અગત્યની બાબત તો એ છે કે આ વીડિયોમાં ચર્ચાતું લાલા નામનું પાત્ર ઘણું ઘણું કહી જાય છે, મસ્તી ગણાવાતા આ વીડિયોમાં પાલિકા પ્રમુખના પતિ સ્પષ્ટ પણે કહેતા જણાય છે કે એ કમિશન તો લાલાએ માંગ્યું હશે.. કે લાલો લઈ ગયો હશે ! આ સ્થિતિમાં ભાજપ દ્વારા પક્ષની આબરૂ દાવ ઉપર લગાવનાર લાલાને તેમજ જેમના પર આક્ષેપ થયા છે તેવા લોકો સામે પણ પગલાં લેવા જોઈએ.
ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત વચ્ચે ક્યાંકને ક્યાંક મોરબી પાલિકામાં કોઈપણ પ્રકારની રોક ટોક વગર બેફામ ટકાવારીનો ખેલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ટકાવારીના ખેલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસને જાણે સંજીવની મળી હોય તેમ નિષ્ક્રિય કોંગ્રેસ ફરી સક્રિય થઈ છે. આ બાબતે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ ભાજપ પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે, મોરબી શહેરની પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ ગેરઉપયોગ રોડ રસ્તાના નબળા કામો, સ્પીડ બ્રેકર નાખવામાં બેદરકારી અને પાલિકામાં તમામ વિભાગોમાં પ્રમુખના પતિ પોતાની ટકાવારી રાખીને બિલો પાસ કરતાં હોવાના આક્ષેપો થયા છે ત્યારે અધિકારીઓ અને એસીબીએ આ બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ અને આવા ભ્રષ્ટાચારીના રાજીનામા લઈ લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
- Advertisement -
મોરબી પાલિકાનાં કમિશનકાંડનો વાયરલ થયેલો વિડીયો જુઓ