દેશમાં ફુગાવાની હજુ ઉંચી સપાટી વચ્ચે તથા ચોમાસાની અનિશ્ચીત સ્થિતિ વચ્ચે હવે મોંઘવારીની ચિંતા વધી છે તે સમયે સરકારે ઘરેલુ ઉત્પાદનના સી.એન.જી. અને પી.એન.જી.ના ભાવમાં 1 એપ્રિલ બાદ ઘટાડો કર્યો હતો પણ હવે મે માસના પ્રથમ દિવસે ફરી એલપીજીના ભાવમાં સમીક્ષા કરીને વ્યાપારી ઉપયોગ માટેના 19 કિલોના સિલીન્ડરના ભાવમાં રૂા.171.50ના પ્રતિ સીલીન્ડર ઘટાડો કરાયો છે અને દિલ્હીમાં હવે 19 કિલોનું સિલીન્ડર રૂા.1856.50ના નવા ભાવે ઉપલબ્ધ થશે
તો દેશભરમાં પણ આજ રીતે ભાવ ઘટાડો આજથી અમલી બની ગયો છે. માર્ચ માસમાં 19 કિલોના સિલીન્ડરના ભાવમાં વધારો થયો હતો અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ જે રૂા.350.50નો ભાવ વધારાનો ડોઝ આપ્યો હતો તે પછી એપ્રિલ અને મે માસમાં ઘટાડો કરીને રાહત આપી છે. જો કે ઘરેલુ ગેસ સિલીન્ડર 14.2 કિલોનું છે તેના ભાવ યથાવત રહ્યા છે. બીજી તરફ હવે સરકાર પર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાનું દબાણ છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ માર્ચ બાદ હવે પેટ્રોલ અને ડિઝલ વેચાણમાં મોટો નફો કરી રહી છે.
- Advertisement -
પેટ્રોલમાં ભારતે રશિયા સહિતના દેશો પાસેથી 83.96 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદી કરી હતી તો હવે ભારતીય બાસ્કેટનું બ્રેન્ટક્રુડ તેલ 78.45 ડોલર પ્રતિ બેરલ તા.27 એપ્રિલના નોંધાયું છે અને અગાઉ ક્રુડતેલના ઉંચા ભાવના કારણે અને પેટ્રોલ ડિઝલના ભાવ યથાવત રહેતા તેઓ જે અન્ડર રીકવરી હતી તેની રૂા.22000 કરોડની ખોટ કેન્દ્ર સરકારે ભરપાઈ કરી દીધી છે અને હવે કંપનીઓ બન્ને ઈંધણના ભાવમાં મોટી કમાણી કરે છે અને તેથી હવે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં થોડો ઘટાડો કરી કર્ણાટક ચૂંટણી પુર્વે તેનો રાજકીય લાભ ઉઠવવા કોશિશ કરી શકે છે.